સમા વિસ્તારમાં રહેતી વિધવાના પતિએ પોતાના મરણ પહેલા લોન પર એક મોપેડ પત્નીના નામે લીધુ હતું. આ બાબતથી અજાણ વિધવાને નવેમ્બર મહિનામાં બાકી લોન હપ્તાની પેનલ્ટી સાથે નોટીસ આવતા મહિલા ગુંચવાઈ હતી. આ બાબતે મહિલાએ શી ટીમની સહાય લીધી હતી. જેમાં શી ટીમે વિધવાની પેનલ્ટી માફ કરાવી આપી હતી.
ન્યુ સમા રોડ પર રહેતા સવિતાબેન (નામ બદલ્યું છે) પતિના મૃત્યુ બાદ તેમના ઘરે એક પોસ્ટ આવી હતી. તેઓ ભણેલા ના હોઇ કાગળિયુ સરકારી હશે તેમ સમજી તેઓ માલતદારની ઓફિસે ગયા હતા. સવિતાબેનને કાગળ જોઈને લાગ્યું હતું કે, તે 18 હજાર રુપિયા બાબતે છે. તેઓની આર્થિક પરિસ્થિતી નાજૂક હોવાને કારણે તે નિરાશ થઈને મામલતદાર કચેરીની બહાર બેઠા હતા. તે સમયે ત્યાંથી શી ટીમની વેન પસાર થઈ રહી હતી. સવિતાબેનને શી ટીમ વિશે જાણકારી હોવાને કારણે તેઓએ વેન ઉભી રાખી હતી. પીસીઆર વેનમાં શી ટીમના અધિકારી કોન્ટેબલ શિલ્પા દવે સવિતાબેન પાસે ગયા ત્યારે તેઓએ તે કાગળ શિલ્પાબેનને બતાવતા જાણ થઈ હતી કે કાગળ લોન પેનલ્ટીનું છે.
જેથી શિલ્પાબેને સવિતાબેનને લોન વિશે પૂછતા, તેઓએ જણાવ્યું હતું કે મે કોઈ લોન નથી લીધી અને મને લોન વિશે જાણ પણ નથી. જેથી શી ટીમ સવિતાબેન સાથે એલએન્ડટી ફાઈનાન્સની ઓફિસમાં ગઈ હતી. ઓફિસમાંથી જાણકારી મળી હતી કે, સવિતાબેનના દિવંગત પતિએ સવિતાબેનના નામે મોપેડ લોન પર લીધી હતુ અને તેમનો લોનનો છેલ્લા હપ્તો બાકી હતો, પેનલ્ટી સાથે કુલ 18 હજાર ભરવાના હતા. સવિતા બેનને આ વિશે કોઈ જાણકારી નહોતી અને આટલી મોટી રકમ તે ભરી શકે તેમ ના હોવાથી શી મેનેજર સાથે આ વાત કરતા તેમણે માનવીય પગલુ લેતા 14 હજારની પેનલ્ટી માફ કરી માત્ર 4 હજારનો છેલ્લો હપ્તો ભરવા જણાવતાં સવિતાબેન રાહત અનુભવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.