કન્યા કેળવણી વડોદરા માટે મહારાજા સયાજીરાવની ભેટ છે. રાજ્ય સરકાર પણ દીકરીઓને ભણાવવાનો આગ્રહ રાખે છે. ત્યારે એક શિક્ષક દંપતીએ પોતાના ગામની અને બહારગામ ભણવા માટે જતી દીકરીઓ માટે શાળા સુધી વાહન વ્યવસ્થા કરવાની સરાહનીય અને કન્યા કેળવણી પ્રોત્સાહક ધગશ બતાવી છે.
ડભોઇ તાલુકાના વાયદપુરા ગામમાં 5મા ધોરણ સુધીની સરકારી પ્રાથમિક શાળા છે અને તે પછી ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ મેળવવા આ ગામના વિદ્યાર્થીઓને નજીકના ભિલાપુર ગામ જવું પડે છે. બંને ગામ વચ્ચે અઢી કિલોમીટરનું અંતર છે અને પગપાળા શાળા સુધી પહોંચવા અને ભણીને પાછા ઘેર આવવામાં લગભગ 5 કિલોમીટર પદયાત્રા કરવી પડે છે.
વાયદપુરાની પ્રાથમિક શાળામાં 5 સુધી ભણીને આ શાળાની 8 પૂર્વ વિદ્યાર્થિનીઓ આગળ અભ્યાસ માટે નજીકના ભિલાપુર ગામની ધોરણ 8 સુધીની શાળામાં જોડાઈ હતી. આ વિદ્યાર્થિનીઓને પોતાનું શિક્ષણ ચાલુ રાખવા રોજ અંદાજે 5 કિલોમીટરની પગપાળા મુસાફરી કરવી પડતી હતી. આર્થિક નબળા પરિવારના વાલીઓ પોતાની દીકરીઓ માટે પરિવહન ખર્ચ કરે એવી સ્થિતિ હતી નહિ. પરિણામે આ વિદ્યાર્થિનીઓના ભણતર અને હાજરીમાં અનિયમિતતા આવી અને તેઓ અભ્યાસ જ છોડી દે એવો સમય આવ્યો હતો.
આ વાતની જાણકારી વાયદપૂરા શાળાના શિક્ષક દંપતી નરેન્દ્રભાઇ ચૌહાણ અને તેમના ધર્મપત્ની સુષ્માબેનના ધ્યાન પર આવી. તેમની શાળાની, તેમની દેખરેખ હેઠળ જ આ તમામ વિદ્યાર્થિનીઓ ભણી હતી. જે નજીકની શાળામાં જવા પરિવહન વ્યવસ્થા ના હોવાથી ભણતરમાં અનિયમિત અને નબળી બને અને આખરે ભણવાનું છોડી દે એ વાત આ શિક્ષક દંપતીને મંજૂર ન હતી.
માટે તેમણે આ દીકરીઓને શાળામાં જવા-આવવા માટે વાહન વ્યવસ્થા કરવાનો સંકલ્પ કર્યો હતો. આ વાત ગામલોકોના ધ્યાન પર મૂકવામાં આવતા આ વ્યવસ્થામાં દાતાઓનો આર્થિક સહયોગ મળ્યો હતો. પરિણામે આ દીકરીઓને સ્કૂલે જવા માટે હવે વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે વિદ્યાર્થિનીઓ ગામથી શાળા સુધી આવતી-જતી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.