કાર્યવાહી:ચાય પે ચર્ચા ભારે પડી, ઇલોરાપાર્કના વેપારી સહિત 14ની અટકાયત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાની કિટલી પર ટોળાં જામતાં પોલીસ એક્શનમાં
  • સોિશયલ ડિસ્ટન્સ ન જાળવી જાહેરમાં થૂંકતા હતા

શહેરના વધતા કોરોનાના કેસો વચ્ચે ઈલોરપાર્ક વિસ્તારમાં આવેલી ચાની કીટલી અને સલૂનની દુકાન આગળ ટોળે થઈ ઉભા રહેલા લોકો સામે ગોરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી જાહેરમાં થૂંકનાર 14 લોકોની અટકાયત કરી હતી.

શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. જોકે તેમ છતાં શહેરીજનોને બેદરકાર દેખાઈ રહ્યા છે. ગુરુવારે સાંજે ઈલોરપાર્કમાં રાજધાની ટી સ્ટોલ અને હેર સલૂનની બહાર લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના, જાહેરમાં થૂંકતા હોવાની માહિતી મળતા ગોરવા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે કોરોના મહામારીમાં સરકારના જાહેરનામનો ભંગ કરનાર રાજધાની ટી સ્ટોલના મલિક સહિત 14 લોકોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ટી સ્ટોલના માલિક કરણ રામા પ્રજાપતિ, મનીષ શશીકાંત રાઠોડ, જયદીપસિંહ મહેશભાઈ પરમાર, આદિત્ય હર્ષદ ભટ્ટ, આશિષ સુરેશભાઈ વસાવા, આકાશ ડાયાભાઇ પટેલ, પ્રશાંત મનોજભાઈ કહાર, નીશીલસિંહ વિજયસિંહ પઢીયાર, ધ્રુવ ચંદુભાઈ અન્સારી, નયન નટવર પ્રજાપતિ, કુણાલ રાજેશ ચાવડા, અર્પિત મહેશ પટેલ, બિગ્નેસ રમેશ પટેલ અને શિવાંગ બાલ મુકુંદ મહેતાને ઝડપી લેવા પોલીસે મહામારી અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, વિવિધ વિસ્તારોમાં ચાની કિટલીઓ તેમજ નાસ્તાની લારી પર લોકોના બિન્ધાસ્ત રીતે ટોળાં જામે છે. અમિત નગર સર્કલ પર કોર્નરમાં આવેલી ચાની દુકાન પર તો ટ્રાફિક પોલીસની નજર સામે જ લોકો બેફિકરાઈથી ચાય પે ચર્ચા કરતા હોય છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં મોડી રાત સુધી લોકોનાં ટોળાં જામતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...