યુવાનનું રહસ્યમય મોત:વડોદરામાં નિવૃત્ત આર્મીમેનના એકના એક પુત્રનું ડ્રગ્સથી મોત થયું હોવાની આશંકા, મૃત્યુ પહેલાં નશામાં ચૂર થઈને હોબાળો મચાવ્યો હતો

વડોદરા2 મહિનો પહેલા
  • અમદાવાદની કંપનીમાં HR તરીકે નોકરી કરતો યુવાન બે દિવસ પહેલાં વડોદરા આવ્યો હતો
  • યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા 203, રાધાકૃષ્ણ ફ્લેટમાં રહેતા મિત્રોને મળવા ગયેલા નિવૃત્ત લશ્કરી જવાનના એકના એક પુત્રનું શંકાસ્પદ કેફી પીણું પીવાથી મોત નીપજ્યું હતું. વહેલી સવારે આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને રહસ્યમય મોતને ભેટેલા યુવાનનો મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે યુવાનના રહસ્યમય મોતનો ભેદ એક ઉકેલવા માટે રૂમમાં રહેતી એક યુવતી સહિત બે વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે. બીજી બાજુ આ ઘટના વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી.

સમા રાધેકૃષ્ણ ફ્લેટના આ મકાનમાં યુવાનનું મોત નીપજ્યું.
સમા રાધેકૃષ્ણ ફ્લેટના આ મકાનમાં યુવાનનું મોત નીપજ્યું.

યુવતીની પૂછપરછ શરૂ કરી
વડોદરાના સમા વિસ્તારમાં એ-26, લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અશોકભાઇ કરન નિવૃત્ત લશ્કરી જવાન છે. તેમનો એકનો એક પુત્ર વિવેક કરન (ઉં.32) અમદાવાદમાં ખાનગી કંપનીમાં એચઆરમાં ફરજ બજાવે છે. બે દિવસ પહેલાં તે વડોદરા આવ્યો હતો. મોડી રાત્રે 10 વાગ્યાના સુમારે તે સમા ચાણક્ય પુરી સોસાયટી પાસે આવેલ 203, રાધેકૃષ્ણ ફ્લેટમાં ગયો હતો. દરમિયાન તેનું રહસ્યમય મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ રૂમમાં રહેતી નેહા નામની યુવતીએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા સમા પોલીસ મથકના પીઆઇ ડો. બી.બી. પટેલ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

સયાજી હોસ્પિટલમાં યુવાનનો મૃતદેહ લેવા માટે પરિવારજનો આવ્યા.
સયાજી હોસ્પિટલમાં યુવાનનો મૃતદેહ લેવા માટે પરિવારજનો આવ્યા.

ડ્રગ્સ લેવાની સીરીંજ મળી
બીજી બાજુ આ બનાવની જાણ વિવેક કરનના માતા-પિતા તેમજ અન્ય પરિવારજનોને થતાં તેઓ રાધેકૃષ્ણ ફ્લેટ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં માતા-પિતાના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવને પગલે ફ્લેટના લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસે વિવેકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે રૂમમાં રહેતી એક યુવતી તેમજ એક યુવાનને પોલીસ મથકમાં લાવી પૂછપરછ શરૂ કરી છે. વિવેક કરનનું જે રૂમમાં મોત નીપજ્યું છે. તે રૂમની પાછળના ભાગે આવેલા પતરાંના શેડ ઉપર ડ્રગ્સ લેવાની સીરીંજ, ઉંઘની ગોળીઓ જેવી અન્ય શંકાસ્પદ ચિજવસ્તુઓ પોલીસને મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે, આ રૂમમાં મિત્રો ભેગા થતાં હતા અને દારૂ તેમજ ડ્રગ્સની પાર્ટીઓ પણ ચાલે છે.

જે મકાનમાં યુવાનનું મોત નીપજ્યું છે તે મકાનની પાછળના શેડ ઉપર નશા માટે કેટલીક વસ્તુઓ પડેલી હતી.
જે મકાનમાં યુવાનનું મોત નીપજ્યું છે તે મકાનની પાછળના શેડ ઉપર નશા માટે કેટલીક વસ્તુઓ પડેલી હતી.

કેફી પીણાનો નશો કરીને મિત્રોને મળવા માટે ગયો હતો
સમા વિસ્તારમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવ અંગે સમા પોલીસ મથકના પીઆઇ ડો. બી.બી. પટેલે જણાવ્યું હતું કે, રહસ્યમય મોતને ભેટેલા વિવેક કરનની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. જેમાં વિવેક કરન મોડી રાત્રે કેફી પીણાનો નશો કરીને રાધેકૃષ્ણ ફ્લેટમાં રહેતા તેના મિત્રોને મળવા માટે ગયો હતો. વિવેક કરને નશામાં ભારે હોબાળો પણ મચાવ્યો હતો. દરમિયાન સવારે તેના મોત અંગેનો મેસેજ પોલીસ કંટ્રોલમાંથી મળતા તપાસ શરૂ કરવામાં આવી છે. રહસ્યમય મોતને ભેટેલા વિવેક કરનનું ચોક્કસ કયા કારણોસર મોત નીપજ્યું છે તે જાણવા માટે પેનલ ડોક્ટર દ્વારા સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. તે સાથે FSLની પણ મદદ લેવામાં આવી છે. હાલ સમા પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે.

વિવેકે જાતે દારૂ પીધો છે, તેવું કહેતો વીડિયો કોણે બનાવ્યો? : માતા
મારા પુત્રને જબરજસ્તીથી ઇન્જેક્શન આપી મારી નખાયો છે. તેના હાથમાં પણ ઇન્જેક્શનનાં નિશાન હતાં. વિવેકે જાતે દારૂ પીધો છે તેવો વિડીયો કોણે બનાવ્યો? આ વીડિયોની ગહન તપાસ થવી જોઈએ. - શૌરી કરણ, મૃતક વિવેકની માતા

બલજીતના ફ્લેટ નીચે જ 25થી વધુ સિરિંજ
રાધેકૃષ્ણ ફ્લેટમાં રહેતા બલજીત રાવતથી પાડોશીઓ પરેશાન થઇ ગયા છે. બલજીતનાં કરતૂતોના કારણે પોલીસના અનેકવાર દરોડા પડ્યા છે. પાડોશીઓ પૈકી એકે જણાવ્યું હતું કે, બલજીતના ઘરમાં ગતિવિધિ ચાલતી જ હતી, ફ્લેટની નીચેના પતરા પર જ 25થી વધુ સિરીંજ દેખાતા પોલીસને ડ્રગ્સ લેતા હોવાની શંકા છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટનું પ્રાથમિક તારણ : ડ્રિન્કનો ઓવરડોઝ
વિવેકના મૃતદેહનું તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. દારૂના ઓવરડોઝના કારણે તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ તબીબોએ કાઢ્યું છે, > પન્ના મોમાયા, ડીસીપી, ઝોન-4, શહેર પોલીસ

ફોરેન્સિક વિભાગ કહે છે કે, આ સુશાંતસિંહ જેવો કેસ છે
ફોરેન્સીક વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ ફિલ્મ સ્ટાર સુશાંતસિંહ જેવો કેસ છે.પોસ્ટમોર્ટમ દરમિયાન ઝેરી પદાર્થના કારણે કરણનું મોત થયું હોવાનું અનુમાન છે. ફાઈનલ રિપોર્ટ પેન્ડિંગ છે.

બોટાદના લઠ્ઠાકાંડ બાદ પેનલ પીએમ કરાવવાનો આગ્રહ
ફોરેન્સિક વિભાગના મતે આ કેસમાં પેનલ પીએમની જરૂર ન હતી. જો કે, બોટાદમાં તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડના પગલે સમા પોલીસે તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવા માટેનો આગ્રહ રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...