ડેમમાં નવા નીર આવ્યા:વડોદરાના આજવા સરોવરની સપાટી 209.40 ફૂટ, વિશ્વામિત્રી નદીની સપાટી 9.75 ફૂટે પહોંચી, ખોડિયાનગર હજુ પાણીમાં

વડોદરા3 મહિનો પહેલા
આજવા સરોવરની ફાઇલ તસવીર
  • વડોદરાનું ઉંડેરા ગામનું તળાવ ઓવર ફ્લો, 160 લોકોનું સ્થળાંતર કરાયું
  • શહેરની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી

વડોદરા જિલ્લામાં અને તેના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે આજવા સરોવની સપાટી 209.40 ફૂટે પહોંચી છે. જ્યારે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 9.75 ફૂટે પહોંચી છે. સવારે વરસાદ બંધ થઇ ગયા બાદ પણ ખોડિયાનગર વિસ્તારમાં સાંજે 7 વાગ્યે પણ વરસાદના પાણી મુખ્ય રોડ પર ભરાયેલા રહ્યા હતા.

ખોડિયારનગરની અનેક સોસાયટીઓ બહાર હજુ પણ રોડ પર પાણી.
ખોડિયારનગરની અનેક સોસાયટીઓ બહાર હજુ પણ રોડ પર પાણી.

વરસાદને પગલે ઉંડેરા ગામનું તળાવ ઓવર ફ્લો થયું છે. વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તો બીજી બાજુ સતત ચાલુ રહેલા વરસાદને પગલે શહેરમાં વધુ 5 ઉપરાંત સ્થળોએ વૃક્ષો જમીન દોસ્ત થતાં ચાર વાહનો દબાઇ ગયા હતા. અને નવાપુરા કહાર મહોલ્લામાં જર્જરીત મકાનની દીવાલ નમી પડી હતી. નેશનલ હાઇવે ઉપર ટ્રક ઉપર સામાન ઢાંકવા ચઢેલા ડ્રાઇવરને વીજ કરંટ લાગતા મોતને ભેટ્યો હતો.

નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા
નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા

રાજકીય પક્ષો અને વિવિધ સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા
વડોદરા શહેર-જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ, લોકોની હાલકીમાં કોઇ ઘટાડો થયો નથી. શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં આજે પણ પાણી ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. અને હવે રોગચાળાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજુ અસર ગ્રસ્તોને વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ દ્વારા સવાર અને સાંજ બે ટાઇમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે, હવામાન ખાતા દ્વારા તા.15 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવથી હજુ પણ શહેરીજનો ચિંતા છે. જેમાં ખાસ કરીને ઝૂંપડાવાસીઓ, ફૂટપાથવાસીઓ અને શ્રમજીવીઓ ચિંતામાં દિવસો પસાર કરી રહ્યા છે. શહેરમાં આજે પણ વિવિધ વિસ્તારોમાં 5 ઉપરાંત વૃક્ષો જમીન દોસ્ત થઇ જતાં 3 વાહનો દટાઇ ગયા હતા. ફાયર બ્રિગેડ ટીમ સ્થળ પર પહોંચી હતી અને કામગીરી શરૂ કરી હતી.

અસરગ્રસ્ત વિસ્તારોમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી
અસરગ્રસ્ત વિસ્તારોમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ, મુંબઇ જતા વાહન ચાલકોને સમજાવાયા
દેવ ડેમમાંથી સવારે પાણી છોડવામાં આવતા દેવ અને ઢાઢર નદીના કાંઠા વિસ્તારોમાં આવેલા ગામોની હાલત કફોડી બની ગઇ છે. બીજી બાજુ વડોદરા નજીક પોર બ્રિજની એક બાજુની પ્રોટેક્શન દીવાલ તૂટી પડતા નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ થઇ ગયો છે. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ શહેર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મુંબઇ તરફ જતા વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યા છે. નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ રહેવાના કારણે મકાઇ, પાણી સહિત વિવિધ ચિજવસ્તુઓનો ધંધો કરનારાને ઘી કેળાં થઇ ગયા છે. ભારે વરસાદને પગલે હાઇવે ઉપરના માર્ગોનું પણ મોટા પાયે ધોવાણ થયું છે.

નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ, પોલીસે ડ્રાઇવરોને સમજાવ્યા
નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ, પોલીસે ડ્રાઇવરોને સમજાવ્યા

ત્રણ તાલુકામાં ભારે વરસાદ હોવાના કારણે દૂધ અને શાકભાજીના પુરવઠા ઉપર અસર
શહેરમાં થયેલા ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ન ઓસરતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. સ્કૂલ વર્ધી વાન અને સ્કૂલ વર્ધી ઓટો રિક્ષા ચાલકો વિદ્યાર્થીઓને સ્કૂલે પહોંચાડી ન શકતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. તેજ રીતે કરજણ, પાદરા અને ડભોઇ તાલુકામાં થયેલા ભારે વરસાદને પગલે આ તાલુકાઓમાંથી આવતો દૂધ અને શાકભાજીનો પુરવઠા ઉપર અસર જોવા મળી હતી. કેટલાંક લોકો દ્વારા દૂધ અને શાકભાજી સહિત જીવન જરૂરી ચિજવસ્તુઓનો સ્ટોક કરી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...