હાલાકી:એલસીના વિકલ્પમાં બર્થ સર્ટિફિકેટ અપલોડ કરનાર વિદ્યાર્થી સલવાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોમર્સ ફેકલ્ટીના પ્રવેશફોર્મમાં 5 વિકલ્પ આપી છબરડો વાળ્યો
  • હવે અનેક વિદ્યાર્થીઅોનાં ડોક્યુમેન્ટ અધૂરાં હોવાની ક્વેરી કઢાઇ

મ.સ. યુિનવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રવેશ ફોર્મમાં વિદ્યાર્થીઓ પાસે માગવામાં આવેલા ડોક્યુમેન્ટના ફોર્મેટમાં છબરડા બહાર આવ્યા છે. અધૂરા ડોક્યુમેન્ટ હોવાના કારણે કાર્યવાહી અટકી હોવાનું સત્તાધીશોએ કહ્યું હતું. જોકે પ્રવેશ ફોર્મ આપવામાં આવેલા ઓપ્શન કારણે વિદ્યાર્થીઓ અટવાયા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થયું ન હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મ.સ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે એક હજાર વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું ન હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સંખ્યાબંધ વિદ્યાર્થીઓઅે અધૂરા દસ્તાવેજો આપ્યા હોવાથી પ્રવેશ પ્રક્રિયા આગળ વધી ન રહી હોવાનું કારણ સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું હતું. જોકે વિદ્યાર્થીઓને જે ફોર્મ ભરવાનાં હતાં તેમાં ભૂલો હોવાના કારણે વિદ્યાર્થીઓ અટવાયા હતા.

વિદ્યાર્થીઓ પાસે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, પાસિંગ સર્ટિફિકેટ, ટ્રાન્સફર સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ આ તમામ ડોક્યુમેન્ટમાંથી કોઈપણ એક જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રવેશ વખતે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ સૌથી અગત્યનું ડોક્યુમેન્ટ હોય છે અને તેના વગર પ્રવેશ આપી ન શકાય તેવું હોવા છતાં પણ તેને ઓપ્શનમાં આપવામાં આવ્યું હતું. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ દ્વારા તેમના બર્થ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરવામાં આવ્યાં હતાં. જેના કારણે પાછળથી તેમનાં ડોક્યુમેન્ટ અધૂરાં હોવાનું બતાવવામાં આવતું હતું. વિદ્યાર્થીઓને સ્કૂલ લીવિંગ અને બર્થ સર્ટિફિકેટ એ બેમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે તેવું ફોર્મમાં જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અધૂરાં રહ્યાં હતાં, બીજી તરફ યુનિવર્સિટી સત્તાધીશોએ હાથ ખંખેરી લીધા હતા. વિદ્યાર્થીઓને પાછળથી ડોક્યુમેન્ટ રિ-અપલોડ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...