શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલા શુભમ ટેનામેન્ટમાં રહેતા 19 વર્ષના કોમર્સના વિદ્યાર્થીએ તેના ઘરમાં કૂતરાનો પટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. એકના એક પુત્રે જીવન ટૂંકાવતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી. ઘટનાના પગલે બાપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર શહેરના આજવા રોડ પર આવેલા શુભમ ટેનામેન્ટમાં પ્રકાશભાઇ ભાવસાર રહે છે. તેઓ જીએસીએલ કંપનીમાં ફરજ બજાવે છે.
કોમર્સ ફેકલ્ટીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
પરિવારમાં માતા-પિતા, પત્ની, પુત્રી અને પુત્ર છે. જેમાં 19 વર્ષનો પુત્ર જવલિન મ.સ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. બહેનની સગાઇ નક્કી થઇ હોવાથી તેણી અમદાવાદ ખાતે ગઈ હતી, જ્યારે માતા-પિતા વાઘોડિયા રોડ ખાતે રહેતા તેમના વેવાઈને ત્યાં લગ્ન સંદર્ભે ચર્ચા કરવા માટે ગયાં હતાં. જ્યારે દાદા-દાદી ઘરે નીચેના માળે હતાં. દરમિયાન જવલિને મકાનના ઉપરના પહેલા માળે કૂતરાના પટ્ટાની સ્ટીલની સાંકળ ગળામાં બાંધી અને પટ્ટો હૂકમાં ભેળવી ફાંસો ખાધો હતો.
કયા કારણસર આ પગલું ભર્યું છે તે જાણવા મળ્યું નથી
સાંજે માતા-પિતા ઘરે આવતાં જવલિનને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ બૂમરાણ મચાવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. તેના પિતાએ પોતાના વહાલસોયા પુત્ર જવલિનને મોંઘીદાટ બાઇક લાવી આપી હતી. તદુપરાંત તેને એક કૂતરો પણ લાવી આપ્યો હતો. જોકે તેણે કયા કારણસર આ પગલું ભર્યું છે તે જાણવા મળ્યું નથી.
જરોદમાં પત્ની સાથેની બોલાચાલી બાદ માઠું લાગતાં પતિએ આપઘાત કર્યો
વાઘોડિયા તાલુકાના જરોદ ગામે પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલીમાં પતિને માઠું લાગતાં તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાના પગલે વાઘોડિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મહુવા તાલુકાના ભોજ ગામે 22 વર્ષનો ગોપીભાઈ પ્રકાશભાઈ પરમાર રહેતો હતો. તેઓને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. સોમવારે કોઈ કારણોસર તેમની પત્ની સાથે બોલાચાલી થઇ હતી. જેમાં તેઓને લાગી આવતાં ઘરમાં ગળે ફાંસો ખાધો હતો. ઘટનાની જાણ પરિવારજનો થતા તેઓ ગોપીભાઈને સયાજી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં MICUમાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના પગલે વાઘોડિયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આપઘાતના બીજા બનાવમાં શહેરના છાણી-દુમાડ રોડ પર રહેતા 43 વર્ષના અજય ડાભીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. તેઓએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે જાણવા મળ્યું નહતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.