તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર અટવાઇ:તબીબી અને નર્સિંગ સ્ટાફની હડતાળથી કોરોનાના 500 દર્દીની સારવાર અટવાઇ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારનું નાક દબાવીને ફાયદો લઇ લેવાની પેરવી, દર્દીઓ મરે તેનું શું?: સ્વજનોનો બળાપો
  • ગોત્રીમાં 330 નર્સિંગ સ્ટાફ અને 120 તબીબો દર્દીની સારવારમાં ધરાર ન જોડાયા

ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં સેંકડો દર્દીઓ કોરોના જેવા ગંભીર રોગોની સારવાર ચાલી રહી છે ત્યારે હોસ્પિટલમાં તબીબી અને નર્સિંગ સ્ટાફ બે દિવસથી હડતાળ પર ઊતર્યો છે. ગુરુવારે બીજા દિવસે આ હડતાળ વધુ ઉગ્ર બની હતી. હોસ્પિટલમાં 330 નર્સિંગ સ્ટાફ અને 120 જેટલા તબીબો દર્દીની સારવારમાં ધરાર જોડાયા ન હતા. જેના પગલે દર્દીના પરિવારજનોએ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, તબીબો અને નર્સિંગ સ્ટાફની કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકારનું નાક દબાવીને ફાયદો લેવાની પેરવી કરી રહ્યાં છે.

તબીબો અને નર્સોની માગણી તો પછી પણ સંતોષાઇ જશે, સમાધાન થઇ જશે પણ અમારા સ્વજનો મરશે તો તેના માટે કોણ જવાબદાર ? ગોત્રી હોસ્પિટલમાં ગુરુવારે 500 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા તેમની સારવાર ભગવાન ભરોસે મૂકીને તબીબો અને નર્સિંગ સ્ટાફે હડતાળનું શસ્ત્ર ઉગામી દીધુ હતું. જોકે દર્દીઓની સારવારની જવાબદારી ઇન્ટર્નશીપ કરવા આવેલા 60 જેટલા નર્સિંગ વિદ્યાર્થીઓ પર આવી પડી હતી. આ વિદ્યાર્થીઓએ કોરોના દર્દીઓને દવાઓ પહોંચાડી હતી.

મારા દાદાને શિફ્ટ કરી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીશ
ગોત્રી હોસ્પિટલમાં આર્યન નામના યુવકે જણાવ્યું કે, મારા દાદાની વય 80 વર્ષ છે. તેમને મેં હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પણ આ હડતાળને પગલે હવે તેમની સારવાર સામે મોટો પ્રશ્નાર્થ સર્જાઇ ગયો છે. તેથી હું તેમને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું વિચારી રહ્યો છું. મારા દાદીને કોરોના પોઝિટિવ આવતાં ગામડાના જ કોવિડ સેન્ટરમાં દાખલ કરવું મુનાસિબ માન્યું છે.

2 દિવસથી દર્દી પાસે ડોક્ટર જ આવતા નથી
શહેર વિસ્તારના દર્દીઓના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમારા પરિવારજને દાખલ કર્યા છે પણ આ હડતાળને લીધે બે દિવસથી તેમની પાસે ડોક્ટર જ આવતા નથી. કોઇ બોટલ ચઢાવી રહ્યું નથી. ઇન્જેકશન આપી રહ્યાં નથી. લોકો મરી રહ્યાં છે ત્યારે પણ પરિવારજનોએ ડેડબોડી માટે 4-4 કલાક વેઇટ કરવું પડે છે. હોસ્પિટલમાં સિક્યુરિટિ સ્ટાફ પણ નથી એ નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

દર્દીને અધિકારીએ કહ્યું ‘માથાકૂટ ન કરો’
ગોત્રી હોસ્પિટલમાં હડતાળ ઉપરાંત ડેથ સર્ટિફિકેટ, આઇસીયુમાં પણ પારાવાર ગંદકી અને અન્ય મુદ્દે રજૂઆત કરવા એક મહિલા અધિકારી પાસે દર્દીઓના પરિવારજનો ગયા હતા. પરિવારજનોએ ડેથ સર્ટિફિકેટ અપાતું ન હોવાની વાતે અધિકારીએ અરજી કરીને ત્રણ-ચાર દિવસમાં મેસેજ આવ્યા બાદ લઇ જવાનું કહ્યું હતું. જ્યારે હડતાળ અને સારવારના મુદ્દે એક પરિવારજને રજૂઆત કરી તો મહિલા અધિકારીએ પિત્તો ગુમાવી ‘મારી સાથે માથાકૂટ કરશો નહીં તેવું કહેતાં જ પરિવારજન ચૂપ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...