તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:સ્ટ્રીટ વેન્ડર પોલિસીથી પાલિકાને વર્ષે 108 કરોડની આવક થઈ શકે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપરત કરાયું
  • કારેલીબાગ સ્થિત રાત્રી બજારની દુકાનોનું ભાડું પણ ન લેવા રજૂઆત કરાઈ

શહેરમાં જો સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરાય તો પાલિકાને વર્ષે રૂા.108 કરોડની આવક થઈ શકે છે. આ પોલિસીનો અમલ ન થાય ત્યાં સુધી લારી-ગલ્લાવાળા પાસેથી રોજ વહીવટી ચાર્જ લેવાનું બંધ કરો અને રાત્રી બજારની દુકાનોનું ભાડું પણ ન લેવાની માગ સાથે કોંગ્રેસે મ્યુ. કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

જૂન મહિનાથી લારી-ગલ્લાવાળા પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવાની નીતિમાં ફેરબદલ કરાયો છે, જેમાં લારી-ગલ્લા કે પથારાવાળાઓએ જે તે વહીવટી વોર્ડ કચેરીમાં જઇ ચાર્જ ભરવાનો છે. જેના પરિણામે અગાઉ માસિક 5થી 7 લાખની થતી આવક હવે 30 લાખ રૂપિયા પર પહોંચી છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષી નેતા અમી રાવતની આગેવાનીમાં કોંગ્રેસનો મોરચો પાલિકા વડી કચેરીમાં પહોંચ્યો હતો. જ્યાં મ્યુ.કમિશનરને રજૂઆત કરતાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, એક તરફ કોરોનાને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા લોકડાઉનને ઘ્યાનમાં રાખીને દોઢ વર્ષથી લારી-ગલ્લાવાળાના ધંધા બંધ રહ્યા હતા, બીજી બાજુ ગરીબ લારી-ગલ્લાવાળા પાસેથી દર માસે રૂ.500 થી લઈને રૂ.1500 વહીવટી ચાર્જ લેવાય છે.

સુપ્રીમ કોર્ટનો હુકમ થયો છે અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવાની સમય મર્યાદા વર્ષ 2015માં પૂરી થઈ ગઈ હોવા છતાં તેનો અમલ થયો નથી. શહેરના લારી-ગલ્લાવાળાનો સરવે ૫ણ થઇ ગયો છે અને એક અંદાજ મુજબ 50 હજાર લારી-ગલ્લાવાળા છે ત્યારે તેમને જગ્યા આપી પ્રતિદિન 60 રૂા. ભાડું લેવાય તો પણ મહિને 90 લાખ રૂા. મુજબ વાર્ષિક રૂા.108 કરોડની આવક પાલિકાને થાય તેમ છે. તેવી જ રીતે કારેલીબાગ વુડા સર્કલ પાસે આવેલા રાત્રીબજારની દુકાનો કોરોનાના કારણે બંધ છે અને તેઓ હાલમાં ધંધા-રોજગાર વગરના થઇ ગયા છે ત્યારે પાલિકા દ્વારા આવા ક૫રા સમયમાં તેઓને ભાડામાં રાહત આ૫વાને બદલે દંડ સહિત ભાડાના ઉઘરાણાની સાથે દુકાનો સીલ કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ અને વોટર પાર્કસ વગેરેને વેરામાં રાહત આપી છે તો પાલિકાએ ૫ણ લારી-ગલ્લાવાળા તેમજ રાત્રીબજારની દુકાનોવાળા સાથે સંવેદનશીલતા દાખવી ભાડું અને વહીવટી ચાર્જ લેવા જોઈએ નહીં.

અન્ય સમાચારો પણ છે...