આંતરજ્ઞાતિય લગ્ન પ્રોત્સાહક યોજના:વડોદરા જિલ્લામાં ચાલુ વર્ષમાં આંતરજ્ઞાતિય લગ્ન કરનાર 16 યુગલને રાજ્ય સરકારે એક-એક લાખ રૂપિયાની મદદ કરી

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અનુલોમ-પ્રતિલોમ લગ્ન કરનારા યુગલો સામાજિક સમરસતાના અનોખા ઉદાહરણ પૂરા પાડે છે

જ્યાં પ્રેમ હોય ત્યાં લેશમાત્ર ભેદ હોતો નથી. એમને મન નથી કોઇ ઊંચ કે નીચ, નથી કોઇ શ્રીમંત કે ગરીબ, નથી કોઇ શ્વેત કે શ્યામ. અનુલોમ-પ્રતિલોમ લગ્ન કરનારા આવા યુગલો સામાજિક સમરસતાના અનોખા ઉદાહરણ પાડે છે. વડોદરા જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન 16 યુગલો એવા નોંધાયા છે, જેમણે ઊંચી નીચી જ્ઞાતિનો ભેદ ભૂલી લગ્ન કર્યાં છે. આવા દંપતીઓને રાજ્ય સરકારે આર્થિક પ્રોત્સાહન પૂરૂ પાડ્યું છે.

ડો. સવિતાબાઇ આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન પ્રોત્સાહક યોજનામાં સહાય
હાલમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે. પ્રેમકથાઓના ગુણગાન ગવાઇ રહ્યા છે ત્યારે, અસ્પૃશ્યતાને નાબૂદ કરવા તથા સામાજિક એકતાના સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી ડો. સવિતાબાઇ આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન પ્રોત્સાહક યોજનાનું સામાજિક અન્વેષણ કરવું યોગ્ય ગણાશે. જેમાં સવર્ણ સમાજના યુવક-યુવતી અનુસૂચિત જાતિના યુવક-યુવતી સાથે લગ્ન કરે તો તેમને રૂ. એક લાખની આર્થિક સહાય પ્રોત્સાહનરૂપે પૂરી પાડવામાં આવે છે.

16 યુગલોને રૂ.16 લાખની સહાય મળી
વડોદરા જિલ્લાની વાત કરીએ તો ઉક્ત યોજના હેઠળ ચાલુ વર્ષ કુલ 16 યુગલોને રૂ.16 લાખની સહાય જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીની કચેરી મારફત પૂરી પાડવામાં આવી છે. આવા દંપતીઓને રૂબરૂ મળીએ તો સામાજિક ઢાંચાના બદલાવની રસપ્રદ વાતો જાણવા મળે !

અમારા જેવા યુગલો માટે વેલેન્ટાઇન ડે 365 દિવસ હોય છે
પોતાના સહકર્મી સાથે પ્રેમલગ્ન કરનાર એક યુવતી કહે છે કે, જ્યારે તમે સભ્ય સમાજમાં રહેતા હો ત્યારે તમામ લોકો સમાન છે. હવેનો યુગ એવો છે કે ઊંચ-નીચ જાતિની યુગો જૂની માન્યતાને તિલાંજલી આપવી પડશે. તો જ સામાજિક વિષમતાની બદીઓ દૂર થશે. આ કામ યુવાનો સારી રીતે કરી રહ્યા છે. અમારા જેવા યુગલો માટે વેલેન્ટાઇન ડે 365 દિવસ હોય છે.

અમારા બન્નેના પરિવાર વચ્ચે પણ સારા સંબંધો છે
પોતાના સાસરિયામાં સારી રીતે સેટ થઇ ગયેલી આ યુવતી કહે છે, રીતિ-રીવાજો એક સરખા, પહેરવેશ, ખાનપાન એક સરખા હોવાના કારણે કોઇ મુશ્કેલી નથી રહી. મારા સાસરિયાઓએ પણ ઊંચનીચ જ્ઞાતિની પરવા કર્યાં વીના અમને અપનાવી લીધા છે. અમારા બન્નેના પરિવાર વચ્ચે પણ સારા સંબંધો છે.

હવે નવી સામાજિક વ્યવસ્થા અમલમાં આવી રહી છે
આવા જ લગ્ન કરનાર એક યુવક કહે છે, હવે નવી સામાજિક વ્યવસ્થા અમલમાં આવી રહી છે. કેટલાક વર્ષો પૂર્વે આંતરજ્ઞાતિય લગ્ન થતાં તો સમાજમાં હોબાળો મચી જતો હતો. સામાજિક બહિષ્કાર પણ થતો. પરંતુ, ધીમે ધીમે લોકોની વિચારસરણી અને દ્રષ્ટિકોણ બદલાવા લાગ્યો છે. આંતરજ્ઞાતિય લગ્ન કરનારા યુગલોને સમાજ સ્વીકારવા લાગ્યો છે. જે નવા ભારતના નિર્માણના આરંભ સમાન છે.

એક લાખની સહાય નવું ઘર શરૂ કરવામાં મદદરૂપ થાય છે
નૂતન સામાજિક ચીલો ચાતરનારા આવા યુગલોને રૂ.એક લાખની સહાય એમના માટે નવું ઘર શરૂ કરવામાં ઘણી મદદરૂપ થાય છે. રાજ્ય સરકારની આવી પ્રોત્સાહક સહાયના કારણે આજે અનેક યુગલોના ઘર સારી રીતે વસી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...