સુરક્ષા:વડાપ્રધાનના રોડ શોમાં SPG અને પોલીસ થ્રી લેયરની સુરક્ષા ગોઠવશે

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18મીના રોજ લેપ્રેસી મેદાનમાં નરેન્દ્ર મોદીની જાહેરસભામાં લાખો લોકો હાજર રહેશે
  • ​​​​​​​અલકાયદાની ધમકીના પગલે સ્લિપર સેલ અંગે પણ તપાસ શરૂ કરાઈ

વડાપ્રધાનના રોડ શોમાં એસપીજી સાથે મળીને શહેર પોલીસ દ્વારા થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ ઉપરાંત અલકાયદા દ્વારા આપવામાં આવેલી ધમકીના પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્લિપર સેલને લગતી તપાસ પણ શરૂ કરી છે.

પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો રોડ શો એરપોર્ટ થી સરદાર એસ્ટેટ થી લેપ્રેસી મેદાન કે પછી હાલમાં જે રૂટ ફાયનલ કરાયો છે તેમાંથી કયા રસ્તે નિકળશે તે એસપીજી આવીને નક્કી કરશે. હાલ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચેકીંગ કરવાનું શરૂ કરી દિધું છે. વડાપ્રધાન વડોદરાની મુલાકાતે છે તેવામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા રોડ શો તેમજ લેપ્રસી મેદાનની આસપાસ આવેલી ઉંચી ઈમારતો ખાતે પણ સ્નાઈપર ગોઠવી દેવામાં આવશે. આ ઉપરાંત પોલીસ ધાબા પોઈન્ટ ગોઠવીને દુરબીનથી પણ વિસ્તારમાં નજર રાખશે. પોલીસે હિસ્ટ્રીશીટરોને પણ રાઉન્ડ અપ કરવાની કામગીરી શરૂ કરી દિધી છે.

અમદાવાદ બ્લાસ્ટમાં ચાર આરોપી વડોદરાના હતા
અમદાવાદ બ્લાસ્ટમાં વડોદરાના ચાર આતંકીની ધરપકડ થઇ હતી. બ્લાસ્ટના આતંકી વડોદરાનો બેઇઝ તરીકે ઉપયોગ કરી ચૂક્યાં હોવાના કારણે પોલીસ દ્વારા ખુબ જ સતર્કતા દાખવી રહી છે. પોલીસ દ્વારા ભૂતકાળમાં સીમી સાથે સંકળાયેલા શકમંદો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસે બાતમીદારોનું નેટવર્ક પણ એલર્ટ કરી દીધું છે. શહેરના વિવિધ સંવેદનશિલ વિસ્તારોમાં બોંબ સ્કવોડે અને ડોગ સ્કવોડ દ્વારા પણ ચેકિંગની સુચના આપવામાં આવી છે. ટેકનિકલ સર્વેલન્સની પણ સુચના આપવામાં આવી છે.

ટ્રેન અને સ્ટેશન પર બોંબ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ
​​​​​​​રેલવે પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. રેલવે પોલીસ દ્વારા તમામ પેસેન્જરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. તમામ શકમંદ પેસેન્જરોની ઝડતી તેમજ વિવિધ જગ્યાએ બોંબ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રેલવે પોલીસના તમામ સ્ટાફને હાલ રેલવે સ્ટેશન પર અને ટ્રેનમાં ચૂસ્ત બંદોબસ્તની સુચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...