બુલેટ ટ્રેન માટે વડોદરા-અમદાવાદ વચ્ચેના અંદાજે સો કિલોમીટરના સી/3 પેકેજ માટે એલએન્ડટી કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું છે. અંદાજે રૂા. 3141 કરોડના ખર્ચે સ્લેબ ટ્રેક બનશે. આગામી બે મહિનામાં કામગીરી શરૂ થશે. વડોદરાના છાણીથી અમદાવાદના સાબરમતી સુધી આ ટ્રેક નખાવાનો છે.રેલવે મંત્રાલય દ્વારા બુલેટ ટ્રેન, એનએઆઈઆર અને રેલવે માટે બની રહેલા ગતિશક્તિ વિશ્વવિદ્યાલયને એક છત્ર તળે લાવવા થઈ રહેલી કવાયતમાં વડોદરાની મુખ્ય ભૂમિકા છે.
શહેરના લાલબાગ ખાતે એક જ કેમ્પસમાં ત્રણે ટ્રેનિંગ સેન્ટર એકત્રીકરણ કરવાને પગલે બુલેટ ટ્રેનની ટ્રેનિંગ માટે જરૂરી સેમ્યુલેટરનું ટેન્ડર ઘોંચમાં પડ્યું છે ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મોડો થવાની શક્યતા છે. બીજી તરફ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા 13 કર્મચારીઓને જાપાનમાં બે મહિનાની ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા છે. 15 દિવસ અગાઉ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે. નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશનના સૂત્રો મુજબ ત્યાંથી અધિકારીઓ ટ્રેઇન થઈને વડોદરા આવશે અને એ લોકો જ અહીં આગળ ટ્રેનિંગ અાપશે.
જોકે મહત્ત્વના ભાગ સેમ્યુલેટર અંગે મૌન સેવી રહ્યા છે. સેમ્યુલેટર અાવે તો યોગ્ય રીતે ટ્રેનિંગ થઇ શકે તેમ છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અનેક અડચણો વચ્ચે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા સ્લેબ ટ્રેક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે વલસાડ અને વાપી વચ્ચે ટ્રેન ચલાવવા માટે પ્રયાસ થઇ રહ્યો છે ત્યારે મુખ્ય વિષય ઓપરેશન અને મેઇન્ટેનન્સનો છે, જે અંગે વડોદરાના અધિકારીઓ પણ દ્વિધાભરી સ્થિતિમાં છે.
પ્રોફેસરોનું બિલ્ડિંગ પ્રતાપ નગર ખસેડાશે
બુલેટ ટ્રેન ટ્રેનિંગ સેન્ટરની એકર જમીનમાં રેલવે યુનિવર્સિટી માટે બિલ્ડિંગ બની રહી છે ત્યારે હોસ્ટેલ બિલ્ડિંગની જગ્યાએ પ્રતાપ નગર ખાતે બુલેટ ટ્રેનના પ્રોફેસરોને લેવા માટે 3 માળનું બિલ્ડિંગ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. વડોદરા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ રેલવે યુનિવર્સિટીના સત્તાધીશોને એડ્જસ્ટમેન્ટના નામે કોઈપણ વસ્તુ નાના પ્રમાણમાં બને તેમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હોવાનું ચર્ચાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.