ગેંગરેપ વિથ આપઘાત કેસ:વડોદરાની યુવતી પર દુષ્કર્મ મામલે આખરે 20 દિવસ બાદ SITની ટીમ બનાવામાં આવી

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિનીયર પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ તપાસનો દોર ચાલશે

રાજ્યના ચકચારી ગેંગરેપ વિથ આપઘાતની ઘટનામાં પોલીસની ટીમો દિવસ રાત કામે લાગી છે. બે નરાધમો સુધી પહોંચવા માટે હવે સ્પેશ્યલ ઇન્વેસટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જેમાં સિનીયર પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ તપાસનો દોર ચાલશે.

પીડિતા પાસેથી મળેલી ડાયરીએ ખોલ્યા અનેક રાઝ
તા. 29 ઓકટોબરના રોજ મૂળ નવસારીની અને વડોદરા રહેતી યુવતિ પર વેક્સિન ગ્રાઉન્ડમાં ખૂબ જ બેરહેમીપૂર્વક બે નરાધમો દ્વારા ગેંગ રેપ કરવામાં આવ્યો હતો. જે બાદ પીડિતાએ તેની સાથે બનેલી આ સમગ્ર ઘટનાનો ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ગત તા. 3 નવેમ્બરની મોડી રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પહોંચેલી ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનના ડી-12 કોચમાંથી પીડિતાનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે આ મામલે તપાસ કરતા પીડિતાના થેલામાંથી એક ડાયરીમાં મળી આવી હતી. જે ડાયરીએ સમગ્ર ઘટનાનો રાઝ ખોલી દેતા આપઘાતની ઘટના પહેલા તેની સાથે ગેંગ રેપ થયો હોવાનું ખુલ્યું હતું.

પોલીસે 500થી વધારે સીસીટીવી કેમેરા ચેક કર્યા
પોલીસે 500થી વધારે સીસીટીવી કેમેરા ચેક કર્યા

પોલીસની 25થી વધુ ટીમો કામે લાગી છે
આ બાદ રેલવે પોલીસની તપાસનો રેલો વડોદરા પહોંચ્યો હતો. રેલવે પોલીસની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. આ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બે પી.આઇની ટીમ પણ આ ચકચારી કેસની તપાસમાં જોડાઇ હતી. પોલીસની 25થી વધુ ટીમો દ્વારા 500થી વધારે સીસીટીવી કેમેરા, બનાવ સમયના મોબાઇલ લોકેશન, અસંખ્ય રિક્ષા ડ્રાઇવરોની પુછતાછ હાથ ધરી હતી. પરંતુ નરાધમોની કોઇ કળી પોલીસને સાપડી ન હતી.

સુરત રેલવે સ્ટેશન પર સીસીટીવીમાં યુવતી દેખાઇ હતી
સુરત રેલવે સ્ટેશન પર સીસીટીવીમાં યુવતી દેખાઇ હતી

6 સિનીયર પોલીસ અધિકારીઓની પસંદગી થઈ
હવે આ મામલે સી.આઇ.ડી ક્રાઇમ, રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા 6 સિનીયર પોલીસ અધિકારીઓની પસંદગી કરી સ્પેશ્યલ ઇનવેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જેમાં સી.આઇ.ડી ક્રાઇમ આઇ.જી સુભાષ ત્રિવેદી જનરલ સુપરવિઝન હેઠળ વડોદરા રેલવે એસ.પી પરિક્ષીતા રાઠોડ (સુપરવિઝન અધિકારી), વડોદરા ડી.સી.પી ક્રાઇમ જયદીપસિંહ જાડેજા (સુપરવિઝન અધિકારી), વડોદરા રેલવે ડી.વાય.એસ.પી બી.એસ જાદવ (તપાસ અધિકારી), વડોદરા રેલવે પી.આઇ એસ.બી જાડેજા, સુરત રેલવે પી.આઇ કે.એમ ચૌધરી તથા વલસાડ રેલવે પોલીસના પી.એસ.આઇ જે.બી વ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.