કામગીરી:બીમાર વૃદ્ધાનું એમ્બ્યુલન્સમાં જઈ આધારકાર્ડ અપડેટ કરાયું

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસ્તી ગણતરી કચેરીની ટીમે સવા કલાકની જહેમત કરી
  • અમૃતમ કાર્ડ માટે આધારકાર્ડ અપડેટ કરાવવું જરૂરી હતું

સરકારી અધિકારીઓ- કર્મચારીઓ માત્ર એસી કેબિનમાં બેસી રહેતા હોવાની વાતો ખોટી વાતો સાબિત થતી હોય તેમ રાવપુરાની સેન્સસ વસ્તી ગણતરીની કચેરીની નીચે મલ્ટીપલ બીમારીથી પીડિત વૃદ્ધાના આધારકાર્ડ અપડેટ માટે એમ્બ્યુલન્સમાં આવ્યાં હતાં. જેથી અધિકારીઓ અને કર્મચારીઓએ સંવેદનશીલતા દાખવી એમ્બ્યુલન્સમાં જઈને સવા કલાકની જહેમત બાદ આધારકાર્ડ અપડેટ કર્યું હતું. શહેરમાં રહેતાં 76 વર્ષિય વૃદ્ધા અનેકવિધ રોગથી પીડાય છે. તેઓનું હાલ ડાયાલિસીસ પણ ચાલી રહ્યું છે. તેઓનું ડાયાલિસીસ અમૃતમ કાર્ડ દ્વારા કરાય છે. આ કાર્ડ કાર્યરત રહે તે માટે તેને અપડેટ કરવું જરૂરી છે.

આ કાર્ડ અપડેટ કરવા બાયોમેટ્રિક જરૂરી હોય છે.આથી વૃદ્ધાનો પુત્ર માતાનું આધારકાર્ડ અપડેટ કરાવવા બાયોમેટ્રિક જરૂરી હોવાથી માતાને એમ્બ્યુલન્સમાં લઈ સવારે રાવપુરા સેન્સસ વસ્તી ગણતરીની કચેરી ખાતે લઇ આવ્યો હતો. પુત્રે રાવપુરા સેન્સસ વસ્તી ગણતરીની કચેરીમાં પહોંચી કચેરીના અધિકારી શ્રમિક જોષીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે બાયોમેટ્રિક માટે માતાને એમ્બ્યુલન્સમાં લાવ્યા હોવાનું જણાવતાં અધિકારી શ્રમિક જોશીએ તેમની બાયોમેટ્રિકની કામગીરી પૂર્ણ કરી હતી.

શ્રમિક જોષીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિનું બાયોમેટ્રિક તેઓના ઘરે જઇને કરવાનો નિયમ છે. જોકે શનિવારે ઓફિસ નીચે પુત્ર તેની વૃદ્ધા માતાને એમ્બ્યુલન્સમાં લઇને આવ્યો હતો અને એમ્બ્યુલન્સમાં જ બાયોમેટ્રિક કરવાનું નક્કી થતાં અમે ટીમ સાથે ઉપકરણો લઈ નીચે ગયા હતા. અમે સ્પેશિયલ કેસમાં બાયોમેટ્રિક કરી તેમને રવાના કર્યા હતા.

કચેરી દ્વારા અગાઉ પણ એક વૃદ્ધનું એમ્બ્યુલન્સમાં જ બાયોમેટ્રિક કરાયું હતું
અધિકારી શ્રમિક જોશીના જણાવ્યા પ્રમાણે સ્પેશિયલ કેસમાં કચેરીમાં ચાલતાં ઉપકરણોને બંધ કરી તેને નીચે લઈ જઈ ફરીથી જીપીએસ સાથે લિંક કરવા પડે છે. સામાન્ય રીતે અરજીના આધારે ટીમ જે તે વ્યક્તિના ઘરે જઈ બાયોમેટ્રિક કરતા હોય છે. પરંતુ આવા કેસમાં એમ્બ્યુલન્સમાં જ આ કામગીરી કરવામાં આવી હતી. બે મહિના અગાઉ પણ એક વૃદ્ધાનું એમ્બ્યુલન્સમાં બાયોમેટ્રીક પણ તેઓના સ્થળે જઇને કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...