તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ફર્નિચરના વેપારીને ધમકાવ્યા બાદ દુકાન બહાર આગ લગાવી

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમા હરણી લિંક રોડ પરની દુકાનમાં બનેલો ચોંકાવનારો બનાવ
  • અજાણ્યા શખ્સે દુકાનના સીસીટીવી તોડવાનો પણ પ્રયાસ કર્યો

સમા હરણી લિંક રોડ પર ફર્નિચરની દુકાન ચલાવતા વેપારીને અવારનવાર ધમકાવી તેની દુકાનના સીસીટીવી કેમેરા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તદુપરાંત તેઓની દુકાન બહાર જ્વલનશીલ પદાર્થથી આગ લગાવતા બનાવ સંદર્ભે સમા પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર સમા જલારામ મંદિરની સામે આંગણ ફ્લેટમાં દિપક નેમીચંદ જૈન રહે છે. તેઓ સમા હરણી લિંક રોડ પર આવેલા સન સ્કેવર બિલ્ડીંગમાં ફર્નિચરની દુકાન ધરાવે છે. ગત 7મી તારીખે તેઓ પોતાની દુકાને હતા. તે સમયે અજાણ્યો વ્યક્તિ બુલેટ લઈને આવ્યો હતો અને તેણે દિપક જૈનને તને માર દુંગા એમ જણાવી ધમકાવ્યો હતો. તે સમયે અજાણી વ્યક્તિએ હાથમાં લોખંડનું પંચ પહેર્યું હતું. જોકે ત્યારબાદ તે ફરીથી 8મી તારીખે દીપક જૈનની દુકાને આવ્યો હતો અને દૂરથી ઊભા રહી ઇશારાથી ધમકી આપી હતી.

આ સમયે દિપક જૈને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધમકી આપનાર બુલેટ લઈને ફરાર થયો હતો. દરમિયાન રવિવારે સવારે દિપક જૈન તેમના ઘરે હતા. તે સમયે તેમની દુકાનની બાજુના દુકાનવાળા ભાઇએ ફોન કરી જણાવ્યું હતું કે તમારી દુકાન આગળ આગ લાગી છે. આ સાંભળી દિપક જૈન દુકાને દોડી ગયા હતા.

ત્યાં જઈ જોતા આગના કારણે દુકાનના કારણે ફ્લેશ બોર્ડ નુકસાન પહોંચ્યું હતું. તેઓએ દુકાન ખોલી સીસીટીવી ફૂટેજ ચેક કરતા અવારનવાર ધમકી આપનાર અજાણી વ્યક્તિ મોડી રાત્રે દુકાન પાસે આવી હતી અને તેણે સીસીટીવી કેમેરા પર પથ્થર મારતો કેમેરામાં કેદ થયો હતો. જ્યારે સવારના પોણા છ વાગ્યે તેણે ફરીથી આવી આગ લગાવી હતી. આ ઘટના સંદર્ભે દિપક જૈને સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે તપાસને વેગીલી અને ગહન બનાવવા નિવેદનો પણ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...