તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાઅભિયાનમાં મોંકાણ:કોવિશિલ્ડનો પૂરતો જથ્થો નહીં આવતાં 1. 50 લાખ લોકોનો બીજો ડોઝ રઝળ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 હજાર લોકો સમય થવા છતાં કોવેક્સિનનો બીજો ડોઝ મૂકાવતા નથી

વેક્સિનેશનના મહાઅભિયાનમાં રસી પૂરતી આવતી ન હોવાથી એકંદરે ફિયાસ્કો થઇ રહ્યો છે. શહેરમાં રોજની 10 હજારની માગ સામે બુધવારે કોવિશિલ્ડનો માત્ર 3500 રસી ફાળવાઇ હતી. તેમાંય આ જથ્થો કેમ્પના સ્થળે ફાળવી દેવાતા પાલિકાના વેક્સિનેશન સેન્ટર પર ગયેલા લોકોને ધક્કો ખાઇને પરત ફરવાનો વારો આવ્યો હતો. બીજી તરફ કોવિશિલ્ડનો પૂરતો જથ્થો આવતો ન હોવાથી શહેરમાં અંદાજે 1. 50 લાખ લોકોનો બીજો ડોઝ અટવાઇ ગયો છે.

શહેરમાં ચાલી રહેલા રસીકરણ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા કોવિશિલ્ડનો ઓછો થતો આપવાનું શરૂ કરતાં નાગરિકો હેરાન થઇ રહ્યા છે ત્યારે બીજી બાજુ આરોગ્ય અમલદાર દ્વારા આ જથ્થો માત્ર કેમ્પનું આયોજન કરનારાઓને ફાળવવામાં આવતા રસીકરણ કેન્દ્રો પર લોકોના ધરમધક્કા યથાવત રહ્યા હતા. સોમવારે માત્ર 3500 ડોઝ કોવિશિલ્ડના સરકારે ફાળવ્યા હતા. જેને પગલે બીજો ડોઝ લેનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય વિભાગના અંદાજ મુજબ 1.50 લાખ ઉપરાંત લોકોનો કોવિશીલ્ડનો બીજો ડોઝ ડ્યુ થયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં કોવેક્સિનનો વધુ જથ્થો આપવામાં આવતો હોવાને પગલે કોર્પોરેશનના આરોગ્ય અમલદાર દ્વારા કેમ્પનું આયોજન કરનાર તેમજ અર્બન હેલ્થ સેન્ટર રસીકરણ કેન્દ્રોને પણ નાગરિકોને પહેલો ડોઝ કોવેક્સિન આપવા માટે સમજાવવા જણાવાયું છે. સોમવારે કોવેક્સિન રસીના 10 હજારથી વધુ ડોઝ ફાળવાયા હતા. જોકે વિદેશમાં આ રસીની માન્યતા ન હોવાને પગલે લોકોને વિદેશ જવું નથી તે લોકો પણ કોવેકસીન લેતા ખચકાય છે. રેલવે હોસ્પિટલમાં 3 હજારના સ્ટાફનો બીજો ડોઝ ડયુ થયો હોવાની રેલવે દ્વારા પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે. સોમવારે 13,073 લોકોએ રસી મૂકાવી હતી.

સમસ્યા કેમ સર્જાય છે?

  • જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણમાં 1.50 લાખ લોકોના પ્રથમ ડોઝને 84 દિવસ પુરા થયા છે
  • કેન્દ્ર સરકાર દ્વારા નિયમ બદલી રસીકરણ થયું હોય તેટલા જ ડોઝ અપાય છે
  • વડોદરા શહેરને માત્ર 3 હજારથી 3500 જેટલા ડોઝ મળે છે
  • ઓનલાઇન બુકિંગ કરાવીને આવનારને પ્રથમ પ્રાયોરિટી અપાય છે
  • રાત્રે 7:30 સ્લોટ જનરેટ થાય છે રસી કેટલી આવશે તે રાત્રે 12 વાગ્યે ખબર પડે છે. જેથી બીજા દિવસે સેન્ટરો પર અંધાધૂધી સર્જાય છે.

આનો ઉકેલ શું હોઈ શકે?
રસીનો જેટલો જથ્થો આવે છે તે માત્ર ઓનલાઇન બુકીંગ કરાવીને આવનાર બીજો ડોઝ લેનારાઓને અપાય તો લોકોને ધક્કા ખાવાનું બંધ થાય અને રોજના ત્રણ હજાર લોકો બીજો ડોઝ લઇ શકે.

જથ્થો પૂરતો મળતો નથી
પાલિકા આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે કહ્યું- કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને અસરકારક છે અને જે મળે તે મુકાવવી જોઇએ. વિદેશ જવાનુ ન હોય તે લોકોએ કોવેક્સિનનો પહેલો ડોઝ પણ લેવો જોઈએ. રસી પૂરતી આવતી ન હોવાથી બીજા ડોઝની સમસ્યા સર્જાઇ રહી છે.

સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના સેન્ટર પર 100 ડોઝ સામે 400 લોકો આવતાં હોબાળો
શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સોમવારે કોવિશિલ્ડના 100 ડોઝ જ આપવામાં આવ્યા હતા. જેની સામે રસી મુકાવવા 400 લોકો આવ્યા હતા આ 400 પૈકી 50 લોકો ઓનલાઈન મુકેલા પ્લોટ દ્વારા રજિસ્ટ્રેશન કરાવીને આવ્યા હતા. જેથી 300 લોકોને પરત જવાનો વારો આવતા હોબાળો મચાવ્યો હતો. સરકાર દ્વારા સ્પોટ રજિસ્ટ્રેશનથી રસી મૂકવાની જાહેરાત કરી છે તો તેમને પ્રાધાન્ય અપાય તેવી રજૂઆત કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ સ્થાનિક કોર્પોરેટરો પોતાના વિસ્તારના લોકોને રસી મળી રહે તે માટે દબાણ કરે છે.પરંતુ સરકારના નિયમ મુજબ 50 ટકા ઓનલાઇન સ્લોટ બુક કરવાનો હોય છે.

અન્ય સમાચારો પણ છે...