તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાના આવાસ યોજનાના કૌભાંડ:કૌભાંડી પ્રમોદ વસાવાના સસ્પેન્શન પર અંતે પાલિકાની સભાની મહોર

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોના દબાણથી નામ બદલાયાં હતાં તે જાહેર કરવા કોંગ્રેસની ટકોર

પાલિકાના આવાસ યોજનાના કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા તત્કાલીન કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાના સસ્પેન્શન પર પાલિકાની સભાએ પણ આખરી મહોર મારી છે. જોકે, કાર્યપાલક ઇજનેર તરીકે સસ્પેન્ડ થયેલા પ્રમોદ વસાવાની જગા પર કોની બદલી કરવી તે અંગે તંત્ર હજુ વિમાસણ અનુભવી રહ્યું છે.

ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીનો ડ્રો નર્મદા રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં થયો હતો. જે પૂરો થતાં પાલિકાની વેબસાઇટ પર પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી અને તેમાં 43 નામો બદલી નાખવામાં આવ્યાં હતાં. આ મામલે સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા અને નિશિથ પીઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ કૌભાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેમાં કમ્પ્યૂટર તેમજ જરૂરી પુરાવા અને ડ્રો અંગેની ફાઈલો પોલીસે જપ્ત કરી હતી. આ કિસ્સામાં રાજકીય દબાણને વશ થઈ યાદી બદલવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી.

દરમિયાન એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના કાર્યપાલક ઇજનેર તરીકે હવે કોની નિમણૂક કરવી તે પાલિકાના તંત્ર માટે પણ પડકારરૂપ સાબિત થઇ રહ્યો છે.ખાસ કરીને આ વિભાગના વડા એવા હાલના હવાલાના સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી પણ છ મહિના બાદ નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે આ મામલા પર પૂર્ણવિરામ મૂકવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હોવાનું પણ સપાટી પર આવ્યું છે. આ સંજોગોમાં પાલિકાની મળેલી સામાન્ય સભામાં પ્રમોદ વસાવા વર્ગ-1ના અધિકારી હોવાથી તેમને કરાયેલી ફરજમોકૂફીની જાણ કરતી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને તેને મંજૂર કરવામાં આવી હતી.

જોકે આ સભામાં કોંગ્રેસ તરફથી કોના દબાણ હેઠળ નામો બદલવામાં આવ્યા હતા તે જાહેર કરો તેવી માગ કરવામાં આવી હતી પણ મેયર કેયૂર રોકડીયાએ એ તો પોલીસ તપાસ કરે છે એટલે આપણે કશું કહી શકીએ નહીં તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...