વડોદરામાં કારમાં આગનો મામલો:RTO સળગેલી કારનું નિરીક્ષણ કરશે પણ અભિપ્રાય નહીં આપે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક હરીશ અમીનની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક હરીશ અમીનની ફાઇલ તસવીર
  • હરીશ અમીનના મોતના કેસમાં તાલુકા પોલીસે RTOને પત્ર લખ્યો
  • અકસ્માત બાદ કારનો​​​​​​​ અભિપ્રાય આપે પણ સળગેલી કાર અંગે મૂંઝવણ

શહેર નજીક સિંધરોટ પાસે બુધવારે વહેલી સવારે ઓર્ચિડ ફાર્મના માલિક 68 વર્ષીય હરીશભાઇ અમીનનું ઇકો કાર રહસ્યમય સંજોગોમાં સળગી જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ તાલુકા પોલીસ દ્વારા આરટીઓને ઇન્સ્પેક્શન કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે.

આ અંગે આરટીઓ દ્વારા અકસ્માત થયેલી કારમાં આરટીઓ ઇન્સ્પેક્શન કરીને પોતાનો અભિપ્રાય આપી શકે છે, પરંતુ સળગી ગયેલી કારમાં આરટીઓ પોતાનો અભિપ્રાય કેવી રીતે આપે તે મૂંઝવણ આરટીઓ અધિકારીઓમાં જોવા મળી હતી. સળગી ગયેલી કારમાં આગ અંદરથી લાગી કે બહારથી અથવા અકસ્માત બાદ આગ લાગી તે અંગેનો તમામ નિષ્કર્ષ એફએસએલ જણાવી શકે છે.

આરટીઓને આ વિષયમાં કોઈ જ્ઞાન ન હોવાનું ઉમેર્યું હતું. જોકે આરટીઓ દ્વારા ફરજના ભાગરૂપે કારની તપાસ કરી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે, તેવું પણ જાણવા મળ્યું છે. જોકે તેઓ આ અંગે કોઇ અભિપ્રાય આપશે નહીં. બીજી તરફ તાલુકા પોલીસ હાલ હરીશ અમીનના મૃત્યુમાં પીએમ રિપોર્ટ પ્રમાણે તેમનું સળગી જવાથી જ મૃત્યું નિપજ્યું હોવાનું માની રહી છે. હાલ પોલીસ હત્યા તેમજ અન્ય કોઈ પણ પ્રકારની સંભાવનાઓ નકારી રહી છે.

શુક્રવારના રોજ હરીશ અમીનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. વિધીના કારણે પોલીસ શુક્રવારના રોજ પરિવારનું નિવેદન લઈ શકી ન હતી. પોલીસ હરીશ અમીનના સીડીઆરનું એનાલીસીસ કરી રહી છે. જ્યારે પેટ્રોલપંપ પાસેના એક ફુટેજ મળ્યાં હતાં.તેમાં પણ પોલીસને કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ મળી ન હતી.

પોલીસની તપાસમાં હજુ પણ કારને આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ ચોક્કસ તારણ જાણી શકાયું નથી. પોલીસ માત્ર પરીક્ષણ કરવાનું બાકી છે તેવો રાગ આલાપ્યા કરે છે. પોલીસની તપાસ માત્ર સળગી જવાથી મૃત્યું થયું હોવા પર અટકી ગઈ છે. જ્યારે હજુ પણ હરીશ અમીનનું ખરેખર સળગી જવાથી મોત થયું છે કે પછી આ એક પ્રીપ્લાન્ડ મર્ડર છે? તે અંગેનું રહસ્ય અકબંધ જ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે સિંધરોટ પાસે ઇકો કાર સળગી જવાથી મોત નિપજ્યાની વાતને પગલે અને પ્રકારની અટકળો સર્જાઇ હતી. જેમાં ગરમીને લીધે આગ લાગી કે કોઇએ લગાડી તેવી ચર્ચા પણ હતી.

અન્ય સમાચારો પણ છે...