જનમહેલ સ્થિત સિટી બસ સ્ટેન્ડમાં મંગળવારે સિટી બસની અડફેટે મ.સ.યુનિ.ની વિદ્યાર્થિનીનું મોત થયું હતું. પોલીસે બસ ચાલકની ધરપકડ કરી પૂછતાછ કરતા બ્રેક લાગી ન હોવાનો લૂલો બચાવ કર્યો હતો. જો કે ગુરુવારે આરટીઓ ઇન્સ્પેકટર દ્વારા અકસ્માત સર્જનાર બસને 40ની સ્પીડે દોડાવી ચકાસણી કરતા બ્રેક યોગ્ય રીતે કામ કરતી હોવાનું જણાયું હતું. જેને પગલે બસ ચાલકની જ નિષ્કાળજી જવાબદાર હોવાનું ફલિત થયું છે. મૂળ સુરતના અમરોલીની શિવાની સોલંકી મ.સ.યુનિ.માં એમએસસીનો અભ્યાસ કરતી હતી. સુરતથી આવ્યા બાદ મંગળવારે બપોરે જનમહેલ સ્થિત સ્ટેન્ડમાં સિટી બસની અડફેટે આવી જતાં તેણીનું મોત થયું હતું.
ગુરુવારે આરટીઓ દ્વારા 2 ઇન્સ્પેક્ટર એસ.પી. સુથાર અને વી. એમ.ચૌધરીને સયાજીગંજ જન મહેલ ખાતે બસની ચકાસણી કરવા મોકલ્યા હતા. બંને ઇન્સ્પેકટરો ના જોઈન્ટ ઇન્સપેકશન દરમિયાન બસ માં કોઈપણ પ્રકારની ખામી જણાઇ ન હતી જે અંગે આરટીઓ ઇન્સ્પેકટર એસ.પી. સુથારે જણાવ્યું હતું કે, અમે અકસ્માત સમયના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા, જેમાં ડ્રાઈવર આગળ પરિસરમાં બ્રેક મારતો હોવાનું જણાય છે, જેથી બ્રેક બરાબર કામ કરતી હોવાનું અને ડ્રાઇવરના બેધ્યાનપણાને લીધે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે.
અકસ્માતના આગળના દિવસે આરટીઓમાં ફિટનેસ માટે ગયેલી આ બસની સીટોની હાલત બરાબર ન હોવાથી સ્વચ્છતાના બહાને બસને પરત મોકલી હતી જે બસનો બીજે દિવસે ફિટનેસ થયું હતું ફિટનેસ કરનાર અધિકારીને પણ સ્થળ પર તપાસ કરવા મોકલાયા હતા. હવે આરટીઓ દ્વારા પોલીસને ઇન્સ્પેકશનનો રિપોર્ટ સુપરત કરાશે.
રોડ પર દોડતી 8 પૈકીની 6 બસો પણ ફિટનેસ વિનાની
ભાસ્કરે બુધવારે 25 બસો અંગે એમ પરિવહન એપ પર ચકાસણી કરતાં 15 બસ ફિટનેસ વિનાની હોવાનું ખૂલ્યું હતું. સતત બીજા દિવસે રૂટ પર દોડતી 8 બસો અંગે તપાસ કરતા 6 બસો ફિટનેસ અને ઇન્સ્યૂરન્સ વિનાની હોવાનું જણાયું હતું.
બસ નંબર | ફિટનેસ પુરુ થયાની તારીખ | ઈન્સ્યોરન્સ પુરો થયાની તારીખ |
GJ06 AZ 0561 | 01/02/2022 | 29/01/2021 |
GJ06 AZ 0216 | 29/11/2021 | 19/11/2021 |
GJ06 AZ 1478 | 08/02/2022 | OK |
GJ06 AZ 0201 | વિગત ઉપલબ્ધ નથી | 08/12/2021 |
GJ06 AZ 8179 | 02/07/2021 | 26/02/2022 |
GJ06AZ8432 | OK | OK |
GJ06 BT 0808 | 16/12/2021 | 15/12/2021 |
GJ06AZ0722 | વિગત ઉપલબ્ધ નથી | વિગત ઉપલબ્ધ નથી |
મૃતકના પરિવારજનો અને ઘટના સ્થળે હાજર લોકોનાં નિવેદન લેવાશે
જનમહેલ સ્ટેન્ડમાં સિટી બસ નીચે કચડાયેલી કોલેજીયન યુવતીના પ્રકરણમાં સયાજીગંજ પોલીસ દ્વારા પરિવારજનો ઉપરાંત અકસ્માત નજરે જોનારાઓનો પણ નિવેદન લેવાશે.તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘આરટીઓનો રિપોર્ટ આવ્યા બાદ તપાસને વધુ વેગીલી બનાવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.