મોટા શહેરોમાં બે છેડા ભેગા કરવા યુવા યુગલોએ કામ કરવું પડે છે. આ હાલતમાં ઘર અને નોકરીમાં લાગણીભર્યા સંબંધોમાં સંતુલન સૌથી મોટો પડકાર છે. આગામી 6 જાન્યુઆરીએ રિલિઝ થઇ રહી ગુજરાતી ફિલ્મ ‘લકીરો’ એક નવો જ પ્રયોગ છે. વર્ક-લાઇફ બેલેન્સના પડકારોને પહોંચી વળવા મથતાં કપલની મેચ્યોર લવ સ્ટોરી છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ પૈકીના અભિનેતા રોનક કામદાર અને અભિનેત્રી દીક્ષા જોશીએ ‘દિવ્ય ભાસ્કર’ કાર્યાલયની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ગુજરાતી ફિલ્મોમાં લકીરો એક નવતર પ્રયોગ છે. જેમાં આપણા હાલના સમાજની વાસ્તવિકતા પ્રસ્તુત કરી છે.
પ્રેમની લાગણી મઢ્યાં સંબંધોના રોલરકોસ્ટર કિસ્સાઓ માણતા લાગણીશીલ દર્શક એક વાર તો પોતાના જીવન સાથે તેને રિલેટ કરી શકશે, રોનક કામદાર એમા ઉમેરે છે કે, ‘ વધુ લાગણીશીલ હશે તો આંસુ પણ રોકી નહીં શકે. ફિલ્મને કમર્શિયલ ફોર્મુલા બેઝ્ડ એટલે જ બનાવી નથી. આ ફિલ્મમાં જાઝ મ્યુઝિક ગુજરાતી ફિલ્મોમાં જ પહેલવહેલો પ્રયોગ છે.’ જ્યારે દીક્ષા જોશી કહે છે કે,‘ ફિલ્મની સ્ટોરીમાં કોઇ એક્સટર્નલ રેફરન્સિસ નથી.
સ્ટોરી તેના વિષયને વળગીને જ આગળ વધે છે. જેથી ગુજરાતી દર્શકોને આ પ્રયોગ ગમે તેવો છે.’ લકીરોનું મ્યુઝિગ પાર્થ ભરત ઠક્કરનું છે, ટાઇટલ ટ્રેક સોંગને સોશિયલ મીડિયા ટ્રેક પર 2 કરોડથી વધુ વ્યૂઝ મળ્યાં છે. ફિલ્મની સ્ટોરી-પ્લોટ ડો. દર્શન અશ્વિન ત્રિવેદીના છે.તેઓ ફિલ્મના દિગ્દર્શક પણ છે. ફિલ્મના બંને અદાકારોએ પ્રેક્ષકોને અપીલ કરતા કહ્યું હતું કે, જો લોકો ટોકિઝમાં જઇને ગુજરાતી ફિલ્મો જોતા થશે તો વધુ મનોરંજક-પ્રયોગસભર ફિલ્મો નિર્માતાઓ બનાવી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.