લોકોમાં રોષ:PMના સભા સ્થળ તરફના રોડ રાતોરાત તૈયાર તરસાલીમાં 10 વર્ષથી રજૂઆત છતાં ન બન્યો

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તરસાલી-સુશેન રોડથી સાંઈધામ સોસાયટી સુધીની 10 સોસાયટીના 4 હજારથી વધુ લોકોમાં રોષ
  • કોર્પોરેટરોથી માંડીને મેયર, ધારાસભ્યો, સાંસદ અને CMને રજૂઆત પણ પરિણામ શૂન્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડોદરાના પ્રવાસને પગલે એરપોર્ટથી સભા સ્થળ સુધીના રૂટ પર રાતોરાત રસ્તા બનાવાયા છે. જ્યારે તરસાલી-સુશેન રોડ પરની 10 સોસાયટી માટે મહત્ત્વનો રસ્તો 10 વર્ષથી બનવાની રાહ જોઈ રહ્યો છે. સ્થાનિકોએ રવિવારે ભાજપના હોદ્દેદારો અને કાઉન્સિલરો સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ એક સપ્તાહમાં રોડ નહીં બને તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

18 જૂને પ્રધાનમંત્રી વડોદરા આવી રહ્યા છે, જેના પગલે પાલિકા તંત્ર સહિત સરકારના અન્ય વિભાગ દિવસ-રાત કામે લાગ્યા છે. લેપ્રેસી મેદાન સહિત તેની આસપાસના રસ્તાને રાતોરાત બનાવી દેવાયા છે. બીજી તરફ તરસાલી-સુશેન રોડ પાસેની સાંઈધામ સહિતની 10 સોસાયટીના લોકો ઉપયોગ કરે છે તે પ્રિયદર્શની સોસાયટી નજીકથી નીકળતા રોડ બન્યો નથી. 10 વર્ષથી સાંસદ, ધારાસભ્ય, મેયર,ભાજપના કાઉન્સિલરોને રજૂઆત કરી થાકેલા રહીશોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. રહીશો મુજબ 2016માં 22 લાખના ખર્ચે રોડ બનાવવાનું નક્કી થયા બાદ કેસ ચાલતો હોવાનું કહી કામ કરાયું નથી.

રોડ માટે ભાજપ પાસેની અપેક્ષા ઠગારી નિવડી
10 સોસાયટીના 4 હજાર લોકો રસ્તાનો ઉપયોગ કરે છે. રોડ ખરાબ હોવાથી ફાયરબ્રિગેડ- એમ્બ્યુલન્સને તકલીફ પડે છે. ભાજપ પાસેની આશા ઠગારી નિવડી. > પંકજ જોષી, સાંઈધામ સોસાયટી

રોડ નહિ બનાવાય તો ચૂંટણી બહિષ્કાર કરીશું
રોડ પર આવતાં-જતાં બાળકો અને સિનિયર સિટીઝનોને મુશ્કેલી પડે છે. રોડ નહિ બનતાં હવે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીશું. > જયસિંહ રાજવંશી, સ્થાનિક રહીશ, શાંતિકુંજ સોસાયટી

એક સપ્તાહમાં રોડ નહિ તો ચક્કાજામ કરીશું
​​​​​​​સાંસદ,ધારાસભ્ય, મેયર, કાઉન્સિલર અને મુખ્યમંત્રીને રજૂઆતો કરીને થાકી ગયા. એક સપ્તાહમાં રોડ નહિ બને તો ચક્કાજામ કરી રામધૂન કરીશું.> કમલેશ પંચાલ, સ્થાનિક, સાંઈધામ

​​​​​​​ખાનગી માલિકીનો રોડ છે, કોર્ટનો સ્ટે છે

સુશેન-તરસાલી રોડ પરથી 10 સોસાયટીને જોડતો રોડ પ્રાઇવેટ માલિકીનો છે અને કોર્ટનો સ્ટે પણ છે. લોકોની રજૂઆત બાદ મારી હાજરીમાં અગાઉ બે વખત રોડનું મેન્ટેનન્સ પણ કરવામાં આવ્યું હતું. > અલ્પેશ લિંબચિયા, કાઉન્સિલર, વોર્ડ 19

અન્ય સમાચારો પણ છે...