આજે ઓરેન્જ એલર્ટ:ગોત્રીમાં 15 દિવસ પૂર્વે બનેલો રોડ નજીવા વરસાદમાં ધોવાયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોત્રી રોડ - Divya Bhaskar
ગોત્રી રોડ
  • જમાવટ - રવિવાર રાતથી સોમવાર સવાર સુધીમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો, રાત્રે ફરી શરૂ
  • શહેર-જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

શહેરમાં 12 જુલાઈ સુધી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેના કારણે શહેરમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની વકી છે. શહેરમાં છેલ્લા 20 કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સમગ્ર દિવસ વાતાવરણમાં વાદળો છવાયેલાં રહેતાં ભેજનું પ્રમાણ પણ 90 ટકાથી ઉપર નોંધાયું હતું. વરસાદની આગાહીના પગલે જિલ્લા તંત્ર પણ એલર્ટ મોડમાં છે. બીજી તરફ સોમવારે મોડી રાત્રે પણ શહેરમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો.

શહેરમાં રવિવાર મોડી રાતથી વરસાદ વરસવાનું ચાલુ થયું હતું. જેમાં રવિવારે રાતના 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 27 મિમી વરસાદ વરસ્યો હતો. જ્યારે રાતના 12 થી 2 વાગ્યા સુધીમાં 14 મિમી વરસાદ વરસ્યો હતો. સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 12 મિમી વરસાદ વરસ્યો હતો. શહેરમાં અત્યાર સુધી સિઝનનો 283 મિમી વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં સોમવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 31.2 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 24.6 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 92 ટકા અને સાંજે 95 ટકા નોંધાયું હતું. પશ્ચિમની દિશાથી 14 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. બીજી તરફ શહેરમાં નજીવા વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે. શહેરમાં ગોત્રી ઇસ્કોન હાઇટ્સ નજીક 15 દિવસ પૂર્વે બનાવાયેલો રોડ વરસાદના કારણે ધોવાઈ જતાં રોડની ક્વોલિટી સામે સવાલ ઊભા થયા છે. જ્યારે જયરત્ન ચાર રસ્તાથી તોપ સુધી 7 દિવસ પૂર્વે બનાવાયેલા રોડ પર ખાડા પડી જતાં રોડની કામગીરી શંકાના દાયરામાં આવી છે.

શહેરમાં રોડ બનાવવાની કામગીરી હંમેશાં શંકાના દાયરામાં રહી છે. રોડ પર રોડ બનાવવા, વરસાદમાં રોડ પાથરવા, માટી પર પેચવર્ક કરવું જેવાં કામોના કારણે પાલિકા વિવાદમાં રહેતી હોય છે. ત્યારે રોડ બનાવ્યા બાદ ગણતરીના દિવસોમાં જ રોડ ધોવાઈ જવાના અનેક કિસ્સા બને છે. છેલ્લા 20 કલાકમાં માત્ર દોઢ ઇંચ વરસાદ પડ્યો છે તેવામાં ગોત્રી રોડ પર ઇસ્કોન હાઇટ્સ આગળ રાધે બંગલોથી વિદ્યામંદિર સ્કૂલ સુધી 15 દિવસ અગાઉ રોડ પાથરવામાં આવ્યો હતો, જે નજીવા વરસાદ જ ધોવાઈ જતાં કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

બીજી તરફ આ સંદર્ભે અધિકારીએ જણાવ્યું હતું કે, હજી રોડ બનાવવાનો શરૂ કર્યો હતો ત્યાં જ વરસાદ પડતાં કામગીરી બંધ કરી છે. કામગીરી હજી બાકી છે, તેનું પેમેન્ટ ચૂકવાયું નથી. બીજી તરફ પોલોગ્રાઉન્ડ એપીએસથી ડ્રેનેજની પ્રેશર લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ 4થી તારીખે કહાર સમાજની શોભાયાત્રા નીકળવાની હોવાથી રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે વરસાદ પડતાં જ રોડ પર પુરાણના અભાવે ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. જેને લઇને રોષ ફેલાયો છે.

જયરત્ન બિલ્ડિંગથી તોપ સુધીના રોડ પરનો મેકઅપ ઊતરી ગયો
પાણી ભરાતા હોય તેવા વિસ્તારનો સર્વે કરવા સૂચના

વરસાદી પાણી ભરાતા હોય તેવા સ્થળોનો સરવે કરવા સહિતના પગલા લેવા મ્યુનિ. કમિશનરે બેઠક યોજી સૂચના આપી હતી.

  • દરેક વોર્ડ દીઠ દોરડા, ટોર્ચ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ ફાળવવામાં આવ્યા
  • વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને પાલિકાની શાળામાં સ્થળાંતર કરવા આગોતરું આયોજન
  • સંભવિત વરસાદમાં આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા સેટેલાઇટ ફોનની ફાળવણી
  • નીચાણવાળા વિસ્તારમાં તરાપાની વ્યવસ્થા કરાઈ
  • જોખમી વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના
  • નવીન સમાવિષ્ટ 7 ગામોમાં પાણી ભરાતા વિસ્તારોનો સર્વે કરી પગલાં લેવા.

નદી-નાળાં છલકાતાં પ્રભાવિત થતાં 100થી વધુ ગામોની યાદી બનાવાઇ
15 જુલાઈ સુધી મધ્ય ગુજરાત સહિત વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે કલેક્ટર અતુલ ગોર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ પર કરી દીધું છે. નર્મદા સહિતની નાની-મોટી નદી, બંધો અને છલકાયેલાં તળાવોના પાણીથી પ્રભાવિત થવાની શક્યતાવાળાં વડોદરા જિલ્લામાં 100થી વધુ ગામોની યાદી તૈયાર કરી ફ્લડ રિસ્પોન્સ એક્શન પ્લાન બનાવાયો છે. જેથી પૂર, ભારે વરસાદથી કે બંધો તેમજ તળાવોમાંથી પાણી છોડાય ત્યારે વિવિધ વિભાગો સાથે સંકલન કરીને વધુ નુકસાન થતું અટકાવી શકાય.

108 એમ્બ્યુલન્સ એલર્ટ પર મૂકાઈ
​​​​​​​જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને એલર્ટ પર મૂકાઈ છે. તમામ જરૂરી પગલાં જેવાં કે ઓક્સિજન, દવા અને ડીઝલ પૂરતા પ્રમાણમાં રાખવાં તંત્ર વાહકોને સૂચના અપાઈ છે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...