તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીમાં ગરકાવ:સિંધરોટમાં ડૂબતાં યુવકને બચાવવા માટે રિક્ષાચાલક કૂદ્યો, બંને ડૂબ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નદી અને તળાવમાં ડૂબવાના જુદા જુદા 2 બનાવોમાં 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યા
  • મહંમદ ફહદ એન્જિનિયર હતો, અરવિંદભાઈ પુત્રને લઈને નાહવા આવ્યા હતા

વડોદરા નજીક સિંધરોટ મહી નદીમાં ન્હાવા ગયેલા યુવક ડૂબતા તેને બચાવવા માટે ત્યાં પુત્ર સાથે ન્હાવા ગયેલા એક રીક્ષા ચાલક કૂદ્યા હતા. જોકે બંને પાણીમાં ગરકાવ થયા હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર શહેરના રાવપુરા મચ્છીપીઠ વિસ્તારમાં 24 વર્ષનો મોહમ્મદ ફહદ મુસ્તાક એહમદ શેખ રહેતો હતો. તે તેના મિત્ર આમીરખાન પઠાણ સાથે સિંધરોટ ન્હાવા ગયો હતો. આમીરખાન પઠાણ બહાર સેલ્ફી લઈ રહ્યો હતો. જ્યારે મિત્ર મોહમ્મદ ફહદ નદીમાં ન્હાવા પડ્યો હતો. બીજી તરફ ગોત્રી ગોકુલનગરમાં રહેતા 48 વર્ષના અરવિંદભાઈ ચીમનભાઈ વાઘેલા રીક્ષા ચલાવતા હતા. તેઓ રવિવારે બપોરે 11માં ધોરણમાં અભ્યાસ કરતા પુત્રને લઈને સિંધરોટ નદીમાં ન્હાવા ગયા હતા. દરમ્યાન મોહમ્મદ ફહદ નદીના પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તે જોઈને અરવિંદભાઈ તેને બચાવવા માટે કુદયા હતા. જો કે મોહમ્મદ ફહદ ડૂબી ગયો હતો અને તેને બચાવવા પડેલા અરવિંદભાઈને પણ તરતા આવડતું નહી હોવાથી તેઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા. ઘટનાના પગલે બુમાબુમ થતા સ્થાનિક તરવૈયાઓ તેઓને બહાર કાઢ્યા હતા. તાત્કાલિક બંનેને ગોત્રી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે બંનેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાવપુરા મચ્છીપીઠમાં રહેતો મોહમ્મદ ફહદે હાલમાં જ એન્જીનીયરિંગમાં માસ્ટર્સ કર્યું છે. તે છેલ્લા ઘણા સમયથી નોકરીની શોધમાં હતો. રવિવારે તેના મિત્ર સાથે સિંધરોટ ન્હાવા માટે ગયો હતો.

કોયલી તળાવમાં નાહવા પડેલા 3 સંતાનના પિતાનું ડૂબી જતાં મોત
વડોદરા શહેર નજીક કોયલી તળાવમાં શનિવારે નાહવા પડેલો એક યુવક ડૂબી ગયો હતો. આ યુવકને બચાવવા હાજર લોકોએ લાકડું લંબાવ્યું હતું, પરંતુ ઊંડો ખાડો હોવાથી તે લાકડું પકડી શક્યો નહતો. વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામમાં 30 વર્ષનો પ્રકાશ રણછોડ મકવાણા રહેતો હતો. તે ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. પરિવારમાં પત્ની, 3 બાળકો, માતા-પિતા તથા ભાઈ છે. શનિવારે સવારે પ્રકાશ મકવાણા કોયલી તળાવમાં નાહવા ઊતર્યા બાદ ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. ઘટનાને પગલે એકઠા થઈ ગયેલા આસપાસના લોકોએ તેને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેને બચાવવા માટે લાકડાનો દંડો લંબાવ્યો હતો, પરંતુ પ્રકાશ મકવાણાને તરતા આવડતું નહીં હોવાથી અને તળાવમાં ઊંડો ખાડો હોવાથી તે ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગયા હતા. તેઓએ પ્રકાશ મકવાણાના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. જોકે પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની જગ્યાએ તેને પરિવારને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...