ઘટસ્ફોટ:ઉત્તરવહી બદલી પાસ કરવાની વાત રેકોર્ડ થતાં ઘટસ્ફોટ થયો

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ કરવાની ભલામણના કેસમાં હળવી સજા
  • યુનિ.ની સિન્ડિકેટમાં સંકલન સમતિના દબાણના પગલે નિર્ણય

એમ.એસ. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં ટેક્નોલોજી ફેકલ્ટીના અધ્યાપક પર વિદ્યાર્થીને પાસ કરવા માટે કરવામાં આવેલી ભલામણ સામેના કેસમાં હળવી સજા કરીને છોડી દેવામાં આવ્યો હતો. અધ્યાપક દોષિત તો સાબિત થયો પણ સંકલન સમિતિના દબાણના પગલે 2 વર્ષ પરીક્ષાની કામગીરીમાં ભાગ નહિ લઇ શકે તે પ્રકારની હળવી સજા કરીને બચાવી લેવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીના સિવિલ વિભાગના અધ્યાપક ડો.ગૌરાંગ જોશીએ 2016માં અન્ય અધ્યાપકને ફોન કરીને એન્યાવરમેન્ટ સાયન્સમાં તેમના મિત્રનો છોકરો અભ્યાસ કરે છે તેને પાસ કરવો પડશે, તેના ઝીરો માર્ક હતા. તેની લખેલી ઉત્તરવહીઓ પણ તૈયાર છે, જો તમે કહો તો તેને બદલી શકાશે. અધ્યાપક ગૌરાંગ જોશી દ્વારા અન્ય અધ્યાપકને કરવામાં આવેલી તમામ વાતચીત મોબાઇલમાં રેકોર્ડ થઇ ગઇ હતી અને તેના આધારે ફેકલ્ટીમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ત્યારબાદ એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં તેમને કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા. નિવૃત્ત જજની કમિટી દ્વારા પણ તેઓ કસૂરવાર છે તેવું સાબિત થયું હતું. સિન્ડિકેટની બેઠકમાં આ મુદ્દો એજન્ડામાં આવ્યો હતો. જોકે સંકલન સમિતિના સભ્યોના દબાણના પગલે પ્રો.ગૌરાંગ જોશીને હળવી સજા કરવામાં આવી હતી. તેમને માત્ર 2 વર્ષ સુધી પરીક્ષાની કામગીરી નહિ સોંપવામાં આવે તેવો નિર્ણય લઇને બચાવી લેવામાં આવ્યા હતા. ગંભીર પ્રકારનો ગેરરીતિ કરી હોવાનું પુરવાર થયું હોવા છતાં પણ સિન્ડિકેટ દ્વારા અધ્યાપક સામે કૂણું વલણ રાખીને હળવી સજા કરી હતી. ઉલ્લેખનીય છે કે ટેકનોલોજી ફેકલ્ટીના અધ્યાપક સામે નિવૃત્ત જજની કમીટી દ્વારા કસૂરવાર હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હોવા છતાં સિન્ડિકેટમાં આ અધ્યાપકને બચાવવા માટે સકૂરવાર જાહેર કરીને પણ નામ માત્રની સજા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...