આકરા તાપની અસર:બપોરે સૂમસામ માર્ગો રાત્રે શ્રીજી સવારીઓથી ઉભરાયા, ​​​​​​​સાંજે હળવા છાંટા બાદ ઠંડક થતાં ઉત્સાહ બેવડાયો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારથી શુભ મુહૂર્ત મળતા હોવા છતાં સવારીના શિડયુલ બદલાયા

અનંત ચતુર્દશીના દિવસે ભારે ગરમી અને બફારાના કારણે બાપ્પાની વિસર્જન યાત્રાનું શિડ્યૂલ બદલાયું હતું. વહેલી સવારથી શુભ મુહૂર્ત મળતા હોવા છતાં એકલ-દોકલ વિસર્જન સિવાય ભક્તો સાંજે 5 વાગ્યા બાદ જ બાપ્પાની સવારી લઈને નીકળ્યા હતા. જેના પગલે વિસર્જનનો અસલ માહોલ મોડી સાંજે શહેરમાં જામ્યો હતો. શુક્રવારના રોજ ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.

ગણેશ ઉત્સવ દરમિયાન 10 દિવસનું આતિથ્ય બાદ બાપ્પાના વિસર્જનના દિવસે તંત્ર દ્વારા સવારથી જ નવલખી, સોમા તળાવ, હરણી અને ગોરવા કૃત્રિમ તળાવો પર તરાપા, ફ્લડ લાઈટ, ક્રેઈન તેમજ તરવૈયાઓનો સ્ટાફ તૈનાત કરી દેવાયો હતો. જ્યારે ગણપતિના રૂટ પર આવતા તમામ મુખ્ય રસ્તાઓ પર પણ ફ્લડ લાઈટ લગાવી દેવામાં આવી હતી. બીજી તરફ ગુરુવારે મોડી રાતથી જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. અનંત ચતુર્દશીના દિવસે વહેલી સવારે ઘરમાં સ્થાપન કરેલી 500 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું શહેરના વિવિધ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે બપોરે રાજમાર્ગો સૂમસામ રહ્યા હતા.

36 ડિગ્રી ગરમી તેમજ ભેજના કારણે બપોરે બફારો અસહ્ય બન્યો હતો.મોટાભાગના મંડળોએ સાંજેે બાપ્પાની વિસર્જન સવારી કાઢી હતી. શહેરમાં સવારથી જ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન શરૂ કરાયું હતું. વિશેષ કરીને નાની-નાની પ્રતિમાને સમા, નવલખી, કુબેરેશ્વર (સોમા તળાવ) અને ગોરવામાં બનાવેલાં કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરાઈ હતી. જ્યાં 5 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.

કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે તમામ રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. શહેર પોલીસે તમામ ગણેશ મંડળોને સાંજે 6 વાગે ઓન રોડ થઇ જવા સૂચના આપી હતી, પણ ગરમીને કારણે અનેક મંડળોએ સાંજે 6 વાગે શ્રીજીની સવારી કાઢી હતી. જેને કારણે પોલીસની ગણતરી ખોટી પડી હતી. બીજી તરફ રાત્રે 8 વાગ્યા સુધીમાં માત્ર 393 મૂર્તિઓનું વિસર્જન થયું હતું.

મહેતા પોળની સવારીમાં ડ્રેસ કોડ
મહેતા પોળ ગણેશ યુવક મંડળ, માંડવી શામળ બેચર પોળ ગણેશ યુવક મંડળ, કાલુપુરા ગણેશ યુવક મંડળ સહિત અન્ય ગણેશ યુવક મંડળોએ પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ આગવું આકર્ષણ જમાવ્યું હતું. મહેતા પોળની શાહી સવારીમાં મહિલાઓ અને પુરુષો ડ્રેસ કોડમાં જોડાયા હતા. ઘોડેસવાર ભારત માતાએ આકર્ષણ જમાવ્યું હતું. તો બાળકોવિવિધ વેશભૂષા ધારણ કરી જોડાયા હતા.

15 મંડળનું સ્થાપના સ્થળે વિસર્જન
ચાર દરવાજા વિસ્તાર, દાંડીયાબજાર, મંગળબજાર, ગાંધી નગરગૃહ સહિતના વિસ્તારોમાં ડીજે સાથે બાપ્પાની વિસર્જન યાત્રા નીકળી હતી. તાડફળીયાના ગણપતિ, કાળુપુરા ગણેશ મંડળ, પરાગરાજના ગણરાજા, માંજલપુરના રાજા સહિતના 15 પોળ-સોસાયટીએ શોભાયાત્રા બાદ સ્થાપના સ્થળે વિસર્જન કર્યું હતું.

દશરથના કૃત્રિમ તળાવમાં રાતે ભરેલું પાણી સવારે શોષાઇ ગયું, અંતે ટ્યૂબવેલથી ભરવું પડ્યું
દશરથમાં ખાનગી કંપનીના સીએસઆર ફંડ હેઠળ પંચાયત દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવમાં વિસર્જનના દિવસે વહેલી સવારે જ પાણી જમીનમાં ઊતરી જતાં ચારેક ગામમાંથી મૂર્તિઓ લઈને આવેલા ભક્તો મૂંઝવણમાં મુકાયા હતા. ખાબોચિયું ભરાય તેટલા પાણીમાં બાપ્પાને મૂકતા પ્રતિમાનો ખડકલો થઈ ગયો હતો. આખરે સવારે બોરવેલ દ્વારા કૃત્રિમ તળાવનું પાણી ભરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...