મુલાકાત:હાઇવે પર 4 લેન બ્રિજથી ટ્રાફિક જામનો પ્રશ્ન, મંત્રી દોડી આવ્યા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
માર્ગ-મકાન મંત્રી પૂર્વેશ મોદીએ હાઇવેની મુલાકાત લઈ સૂચનો કર્યાં હતાં. - Divya Bhaskar
માર્ગ-મકાન મંત્રી પૂર્વેશ મોદીએ હાઇવેની મુલાકાત લઈ સૂચનો કર્યાં હતાં.
  • સાંસદ રંજનબેન ભટ્ટની રજૂઆત બાદ મંત્રી પૂર્વેશ મોદીની મુલાકાત
  • વડોદરાથી કરજણ સુધીના બ્રિજ પહોળા કરવા પત્ર લખ્યો હતો

અમદાવાદથી મુંબઇ સુધીના નેશનલ હાઇવે પર વડોદરાથી કરજણ સુધીના રોડ પર બે લાઈન બ્રિજને પહોળો કરવાની માગ સાથે સાંસદ રંજનબેન ભટ્ટે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી હતી. ત્યારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્વેશ મોદીએ હાઇવેની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી હતી.શહેર નજીકથી પસાર થતા હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. સાંસદ રંજનબેન ભટ્ટે માર્ગ અને પરિવહન મંત્રીને પત્ર લખ્યો હતો.

જેમાં અહમદાવાદથી વડોદરા, સુરત અને મુંબઈ તરફ જતો હાઇવે 6 લેનનો છે પરંતુ વડોદરાથી ભરૂચ જતાં વચ્ચે જામ્બુવા, વિશ્વામિત્રી, પોર, બામણગામ અને નાનાફોફળિયા ગામ પાસેનો ઓવરબ્રિજ 4 લેનના છે. જેના કારણે વડોદરાથી ભરૂચ વચ્ચે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉદ્ભવે છે. તેટલું જ નહીં ત્યાં કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા ભારે પરેશાની ભોગવવી પડે છે. સાંસદની રજૂઆત બાદ રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્વેશ મોદીએ શહેર નજીક પસાર થતા હાઈવેની મુલાકાત લીધી હતી.

તેમની સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે જાંબુઆ, પોર, બામણગામના બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ પોર નજીક રોડનો ભાગ ધસી જવા બાબતે જણાવ્યું હતું કે, પોર બ્રિજની ધરાશાયી થયેલી દીવાલનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે. પૂર્વેશ મોદીએ શહેરથી કરજણ સુધીના રોડની મુલાકાત લેતાં ત્યાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...