વિવાદ:શહેર ભાજપનાં મંત્રી અને કોર્પોરેટર વચ્ચેનો ઝઘડો અદાલતમાં પહોંચ્યો

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા રાજકીય દબાણમાં ચિત્તેખાનની ગલીની મિલકત તોડે નહીં તે માટે સ્ટેની માગ
  • બાંધકામ નિયમ મુજબ હોય તો કોઇ વિરોધ નથી : શિતલ મિસ્ત્રી

ચિત્તેખાનની ગલીમાં આવેલી મિલકત રાજકીય દબાણમાં પાલિકા તોડી ન પાડે તે માટે કોર્ટમાં દાવો દાખલ કરી સ્ટેની માગ કરાઈ છે. આ દાવામાં વાદી શહેર ભાજપના મંત્રીના પિતરાઇ ભાઇ છે તો પ્રતિવાદી પાલિકા ભાજપના કોર્પોરેટરના દબાણમાં કામ કરી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આમ શહેર ભાજપના મંત્રી અને કોર્પોરેટર વચ્ચેનો વિવાદ અદાલતમાં પહોંચતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.કમલેશ કુકરેજાએ દાખલ કરેલા દાવામાં પ્રતિવાદી તરીકે પાલિકા, મ્યુ. કમિ. અને ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસરને દશાર્વ્યા છે.

દાવામાં રજૂઆત કરી છે કે, તેમની દુકાન ચિત્તેખાનની ગલીમાં છે અને તેને અડીને ભાજપના કોર્પોરેટર ડો.શિતલ મિસ્ત્રીની હોસ્પિટલ છે. વાદીના જણાવ્યા મુજબ તેઓ રિનોવેશન કરતા હતા ત્યારે મારૂતિ સર્જિકલ હોસ્પિટલનું બોર્ડ નીકળી જતાં ડો.શિતલ મિસ્ત્રી કે, જેઓ ભાજપના કોર્પોરેટર છે તેમણે વાદીને અપશબ્દો કહી મિલકત તોડાવી નાખીશ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ પ્રતિવાદી પાલિકાએ નોટિસ અાપી હતી. તેમજ વાદીના પિતરાઇ બહેન કોમલ કુકરેજા કે, જે શહેર ભાજપનાં મંત્રી છે તેમને પણ મેસેજ કરી વાદી સામે ફરિયાદ કરવાનું જણાવ્યું હતું.

વાદીએ અદાલતમાં દાવો દાખલ કરી તેમની મિલ્કતને ન તોડાય કે સીલ ન મરાય તે માટે સ્ટેની માગ કરી છે. વાદીએ રજૂઆત કરી છે કે, તેમણે રિનોવેશન કર્યું છે. મિલકત તેમની સ્વતંત્ર કબજાની છે. સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. ડો.શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, તેમણે માત્ર બાંધકામ જીડીસીના નિયમ મુજબ થઇ રહ્યું છે કે કેમ તેની માહિતી આપવા ટીડીઓને જણાવ્યું હતું. નિયમ મુજબ કામ થતું હોય તો વિરોધ નથી.

અન્ય સમાચારો પણ છે...