દરખાસ્ત:પગાર વધારા માટેની દરખાસ્ત મંત્રી બદલાતાં હવે ઘોંચમાં પડી

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વુડામાં આઉટસોર્સિંગના 70 કર્મચારીઓ ફરજ બજાવે છે

વડોદરા શહેર વિકાસ સત્તા મંડળ માં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓના વેતનમાં પગાર વધારો કરવા માટેની દરખાસ્ત શહેરી વિકાસ વિભાગને મોકલી આપવામાં આવી છે પરંતુ ગાંધીનગરમાં મંત્રી જ બદલાઈ જતાં હવે નિર્ણય ઘોંચમાં પડ્યો છે.

વડોદરા શહેર વિકાસ સત્તામંડળ એટલે કે વુડામાં આઉટસોર્સિંગથી 70થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓને સરેરાશ રૂ.15 હજાર મુજબ વેતન ચૂકવવમાં આવે છે અને ડિસેમ્બર 2020માં વેતનમાં 10%નો વધારો કરવામાં આવ્યો હતો. આ સંજોગોમાં અમદાવાદમાં ઔડા કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને ઓક્ટોબર 2018ની સ્થિતિએ આપવામાં આવતા રેટ મુજબ ઓક્ટોબર 2019માં વેતન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

ફિક્સ પગારના આ કર્મચારીઓને અમદાવાદની જેમ વેતન ચૂકવવામાં આવે તો કચેરીમાં 73.88 લાખ રૂપિયાથી વધુનું ભારણ પડી શકે છે. પરંતુ 10% મુજબ વેતન વધારો કરવામાં આવે તો તે 13.82 લાખ રૂપિયા જેટલો બોજો પડી શકે છે.

આ સંજોગોમાં અમદાવાદની જેમ વેતન ચુકવવું કે 10 ટકા મુજબ વેતન ચુકવવું તેનો નિર્ણય લેવામાં વુડાના સત્તાધીશો દ્વિધામાં પડી ગયા હતા. જેથી આ મામલે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને નિર્ણય મામલે દરખાસ્ત મોકલવામાં આવી છે પરંતુ આ દરખાસ્ત પર હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...