તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો વન્યજીવોને ફાયદો:કોરોના કાળમાં અભયારણ્યમાં માનવોની અવરજવર બંધ થતાં ઝરખ સહિતના 7 પ્રાણીઓની વસતી ત્રણ ગણી વધી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નીલગાયની ફાઇલ તસવીર - Divya Bhaskar
નીલગાયની ફાઇલ તસવીર
  • રતનમહાલ અને જાંબુઘોડામાં ગત વર્ષે 982 સંખ્યા હતી, આ વર્ષ 2839 થઇ

વનવિભાગ દ્વારા તાજેતરમાં અભ્યારણ્યો રતનમહાલ અને જાંબુધોડામાં યોજાયેલી વન્યજીવોની વસ્તીગણતરીમાં 7 વન્ય પ્રાણીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. દીપડા, રીંછ, ઝરખ, જંગલીબિલાડા, ભૂંડ, શિયાળ, જંગલીબિલાડી સહિતના 7 પ્રાણીઓ ગત વસ્તીગણતરીમાં 982 નોંધાયા હતા. આ વર્ષ વાઇલ્ડલાઇફ ડિવિઝન દ્વારા યોજાયેલી ગણતરીમાં 2839 નોંધાયા છે. આ વસ્તીગણતરીમાં નોંધપાત્ર બાબત એ છે કે જંગલના સફાઇકામદાર તરીકે જેમની ગણના થાય છે તેવા ઝરખની સંખ્યામાં 46નો વધારો થયો છે.

રતનમહાલ અભ્યારણ્ય - ફાઇલ તસવીર
રતનમહાલ અભ્યારણ્ય - ફાઇલ તસવીર

નીલગાય જેવા પ્રાણીઓની સંખ્યામાં પણ મોટો વધારો
આ અચાનક બે વર્ષમાં આટલા બધા ઝરખની સંખ્યા વધી જતાં વન્યપ્રાણીઓની વસ્તી ગણતરી કરવા જતી એનજીઓના કાર્યકરો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાને લીધે દરમિયાન માનવોની અવરજવર ઓછી થઇ ગઇ હતી તેવા સંજોગોમાં વન્યજીવોની સંખ્યા વધી છે તેવો તર્ક વનવિભાગ દ્વારા અપાયો છે. આ બંને વિશાળ અભ્યારણ્યમાં ગણતરી 68 વોચમેન અને 34 અન્ય સ્ટાફે મળીને કરી હતી. માત્ર ઝરખ જ નહીં શિયાળ, જંગલી બીલાડી, જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા અને નીલગાય જેવા પ્રાણીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો હોવાનું આ વસ્તીગણતરીના ડેટામાં બહાર આવ્યું છે.

ઝરખ હાડકાં પણ ચાવી જાય છે
આ વિશે વન્યપ્રાણી વર્તુળના ડીસીએફ બી.એમ. વાઘેલાએ જણાવ્યું કે, ઝરખના જડબા ખૂબ મજબૂત હોય છે. તેથી કેટલાક કિસ્સામાં દીપડાએ પણ ભાગવું પડે છે. તેના પાછળના પગ રાટાં હોય છે તેથી જાડા મજબૂત હાડકાં પણ ઝરખ ચાવી ખાય છે.

વનવિભાગના જ કર્મચારીઓએ ગણતરી કરી
આ વર્ષે વનવિભાગ દ્વારા એનજીઓને વન્યપ્રાણી ગણતરીમાં બોલાવવામાં આવ્યાં ન હતા. એક વન્યજીવ કાર્યકર જે છેલ્લા 20 કરતા વધુ વર્ષથી વસ્તીગણતરીમાં જાય છે તેણે જણાવ્યું કે, ‘ શિયાળ તો આ બંને અભ્યારણ્યોમાં માંડ જોવા મળતા હતા. આ ઉપરાંત ઝરખ આટલા બધા વધ્યાં, બે વર્ષમં આટલા બધા બચ્ચાઓ ટકી ગયા તે આશ્ચર્યની બાબત છે.’ વનઅધિકારીએ જણાવ્યું કે આ ડિવિઝનલ કક્ષાની ગણતરી હોવાથી એનજીઓને બોલાવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...