મિલન:માતાને મેસેજ કરી આત્મહત્યા કરવા નીકળેલા યુવકને પોલીસે શોધી કાઢ્યો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકે મહારાષ્ટ્રમાં માતાને મેસેજ કર્યો, આપઘાત કરવા જાઉં છંુ
  • પોલીસને જાણ થતાં શોધખોળમાં લાગી, કમાટીબાગમાંથી મળ્યો

શહેરમાં સમા વિસ્તારમાં માસીને ત્યાં રહીને ભણતા યુવકે મહારાષ્ટ્રમાં રહેતી માતાને મોબાઇલમાં મેસેજ કરીને આત્મહત્યા કરવા નિકળેલા યુવકને સમા પોલીસે કમાટીબાગમાંથી શોધી કાઢયો હતો. સમા વિસ્તારમાં રહેતો રાકેશ(નામ બદલ્યું છે) મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને તે વડોદરામાં માસીના ઘરે રહીને ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

વહેલી સવારે કોલેજબેગ લઇને તે કોલેજ જવાનું માસીને કહીને નીકળ્યો હતો. દરમિયાન તેણે મહારાષ્ટ્રમાં રહેતી માતાને મોબાઇલ ફોન ઉપર મરાઠી ભાષામાં કરેલા મેસેજમાં જણાવ્યું હતું કે હં અાપઘાત કરવા જાઉ છું, સોરી મમ્મી મારે આ કરવું પડે છે. મારું દીમાગ કામ કરતું નથી. આ વિચાર એટલે આવે છે કે હું તમારા કેટલા પૈસા બગાડુ છું અને પપ્પા અને તું મારા માટે કેટલું બધું કરો છો. પણ મારાથી આ ભણતર થતું નથી અને આ બધુ કહેવાની તાકાત મારામાં નથી.હું ડિપ્રેશનમાં જતો રહું છું. હવે મારાથી આ પ્રોબ્લેમ સહન થતો નથી. મેં ભણવાની બહું કોશિશ કરી, પણ છેલ્લે હું હારી ગયો છું. બસ આટલું જ કહેવું હતું”

જેને પગલે માતાએ તુરંત જ વડોદરા રહેતી બહેનને જાણ કરી હતી, જેથી યુવકની માસીએ સમા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં પી.આઇ. એન.એચ. બ્રહ્મભટ્ટે તુરંત જ મેસેજના આધારે શી ટીમ તેમજ સ્ટાફના માણસો બોલાવી ટીમો તૈયાર કરી શોધખોળ શરૂ કરી હતી.

પી.આઇ. એન.એચ. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અલગ-અલગ બનાવેલી ટીમો દ્વારા ફાજલપુર મહીસાગર બ્રિજ, રેલવે સ્ટેશન, સયાજીગંજ બસ સ્ટેશન, સેફ્રોન ટાવર, મલ્ટીપ્લેક્ષ, કોમ્પ્લેક્ષો તેમજ બગીચામાં તપાસ કરાઇ હતી. જેમાં પોલીસની એક ટીમને રાકેશ કમાટીબાગથી મળી આવ્યો હતો. રાકેશને પોલીસ સ્ટેશન બોલાવ્યા બાદ હેમખેમ તેને તેની માસીને સોંપ્યો હતો અને રાકેશનું કાઉન્સેલીંગ પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...