21 દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા પોતાના દીકરાને શોધવા માટે નીકળેલા ઉત્તરપ્રદેશના ફૈઝાબાદના મીરાપુર ગામના વૃદ્ધની તબિયત ખરાબ થતાં તેઓ વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરખાનાના પગથિયે સૂઈ ગયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના ખિસ્સાને કાપીને રૂા. 5300 ચોરી લીધા હતાં. ઘટના અંગે વૃદ્ધ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના મીરાપુર ગામે રહેતા જગદેવપ્રસાદ ગોકુલપ્રસાદ યાદવ (73) રેલવેમાં ફિડર તરીકે નોકરી કરી નિવૃત થયા છે. વૃધ્ધ 13 ઓગષ્ટના રોજ અયોધ્યાથી સુરત પોતાના દિકરા વિક્ષુદેવપ્રસાદ યાદવ જે 21 દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો તેને શોધવા માટે નીકળ્યા હતા.
દીકરો ન મળતાં તેઓ 13 ઓગસ્ટે રાતે 12 વાગે સુરતથી મીરાપુર જવા નીકળી ગયા હતા. તેમની તબિયત વધારે ખરાબ થતા તેઓ વડોદરા રેલવે સ્ટેશન પર રાતે 2 વાગે ઊતરી ગયા હતા. તેઓ રેલવે સ્ટેશન પર મુસાફરખાનાના પગથિયાની બાજુમાં આવેલા ફુટપાથ પર ઊંઘી ગયા હતાં. સવારે 5 વાગ્યાના અરસામાં તેઓ ઊઠતા તેમને નજીકમાં બેઠેલા મહિલાએ તેમના રૂપીયા ખિસ્સામાંથી પડી ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી વૃધ્ધે પોતાની કોટીમાં તપાસ કરતા ખિસ્સુ કપાઈ ગયું હતું. અને રૂા.5700 માંથી રૂા.400 નીચે પડેલા મળ્યાં હતાં. બાકીના રૂા.5300 ચોરી થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.