મોદીનો રોડ શો રદ, સભા યોજાશે:PMOએ મંજૂરી ન આપી, મોદી સભા સ્થળે હેલિકોપ્ટરમાં આવે તેવી વકી

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

18 જૂને વડોદરામાં આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો રદ કરાયો છે. જયારે સભાનું આયોજન અકબંધ રખાયું છે. પીએમઓ ઓફિસથી રોડ શો રદ થયો હોવાનો મેસેજ કલેક્ટર કચેરીને આપવામાં આવ્યો હતો. અલકાયદા દ્વારા અપાયેલી ધમકીના પગલે સલામતીના કારણોથી પણ રોડ શો બંધ ખાયાની અટકળો સેવાઈ રહી છે. વડાપ્રધાન 18 જૂનના રોજ પ્રથમ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરીને બપોરે 12 વાગ્યા સુધીમાં લેપ્રસી મેદાન ખાતે પહોચવાનો સમય હાલ કલેક્ટર કચેરીને મળ્યો છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ 18મી જૂનના રોજ પ્રથમ વખત વડોદરામાં 5.5 કિલોમીટર લાંબો રોડ શો કરવાના હતાં.અગાઉ એરપોર્ટથી ન્યૂ વીઆઇપી રોડનો રૂટ વિચારણા હેઠળ હતો પરંતુ આ રોડ પર ભીડ ઓછી થવાની ચિંતામાં આખરે રૂટ સંગમથી આજવા રોડ તરફ ડાઇર્વટ કરાયો હતો.

વડાપ્રધાન એરપોર્ટથી એરપોર્ટ સર્કલ, સંગમ ચાર રસ્તા અને ત્યાંથી મહાવીર હોલ ચાર રસ્તા થઈ સરદાર એસ્ટેટ બાદ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે લાખોની જનમેદનીને સંબોધવાના હતાં. જો કે પીએમના રોડ શોને પીએમઓ ઓફિસમાંથી મંજૂરી ન અપાતા રદ કરાયો છે. વડાપ્રધાન હેલિકોપ્ટરમાં સભા સ્થળે આવે તેવી શકયતા છે.

રોડ શો રદ થતાં હવે સંગમથી મહાવીર હોલ ચાર રસ્તા સુધીનો રોડ રિસર્ફેસિંગ નહિ થાય
મોદીનો રોડ શો રદ થવાથી સંગમથી મહાવીર હોલ ચાર રસ્તા સુધીનો રોડ રિસર્ફેસિંગ નહિ કરાય. પીએમના રોડ શોના પગલે નવો રસ્તો મળે તેવી આશા વિસ્તારના લોકોને હતી. જોકે હવે રોડ શો રદ થતાં આ સમગ્ર રોડ પર ડિવાઇડરના સુશોભન સહિત ઝાડનું ટ્રીમિંગ સહિતની કામગીરી નહિ થાય. ખાસ કરીને રોડની મરામત થશે તેવી લોકોને આશા હતી, જે ઠગારી નીવડશે.

વડાપ્રધાનના કાર્યક્રમ પાછળ પ્રજાના 25 કરોડનો ધુમાડો : વિપક્ષી નેતાનો આક્ષેપ
પીએમના કાર્યક્રમ માટે થનાર ખર્ચને મંજૂરી આપવા સ્થાયીમાં દરખાસ્ત રજુ કરાઇ છે. વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, 25 કરોડનો ખર્ચ થવાનો હોવાના આક્ષેપ કર્યો છે. જો કે મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે તમામ ખર્ચ રાજય સરકાર કરવાની છે. રોડના પેચવર્ક સહિતના કામો થયેલા છે તેનો લાભ આખરે નાગરિકોને જ મળવાનો છે.