ફરિયાદ:સયાજીગંજની પ્રોપર્ટીના 3.51 કરોડમાં સોદા બાદ ભાગીદારે બારોબાર વેચી દીધી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય બે ભાગીદારોને અંધારામાં રાખી સોદો કરતાં પોલીસ ફરિયાદ
  • બનાવટી દસ્તાવેજો બનાવી મિલકત વેચી દીધી હોવાનો અન્ય ભાગીદારોનો દાવો

શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલો હિરાસ્મૃતિ બંગલો સહિત અન્ય મિલકતોનો રૂા.3.51 કરોડમાં સોદો નક્કી થયા બાદ ભાગીદારે અન્ય બે ભાગીદારોને અંધારામાં રાખીને બનાવટી દસ્તાવેજો બનાવી મિલકત વેચી દેતા રાવપુરા પોલીસ મથકમાં છેતરપીંડીનો ગુનો દાખલ થયો છે.

સુરતના પરવત પાટીયા રહેતા અને જમીન લે-વેચનો વ્યવસાય કરતા વિજયકુમાર રમેશચંદ્ર કાયસ્થ (56)ની ફરિયાદ અનુસાર, વર્ષ 2016માં ધર્મેશભાઈ જસુભાઈ પટેલ અને શૈલેનભાઈ બીપીનચંદ્ર પટેલની સાથે ભાગીદારી કરી જમીન લે-વેચનો વ્યવસાય કરતા હતાં. શૈલેન પટેલે એડવોકેટ નિખીલ જોષીનો સંપર્ક કરાવ્યો હતો. એડવોકેટે વડોદરાના અકોટામાં રહેતા મહેશભાઈ રમણભાઈ પટેલની સયાજીગંજમાં બ્લોક સર્વે નંબર 573-03, 575-04, 571-5 પૈકી પ્લોટ નંબર 5 અને પ્લોટ નંબર 6 હિરા સ્મૃતિ નામનો બંગલો અને તેની સાથેની જમીનમાં આવેલી ઈમારત વ્યાજબી ભાવે અપાવીશ તેમ જણાવ્યું હતું.

જોકે આ મિલતમાં પહેલા થયેલા બાનાખતને રદ કરવા ફરિયાદીએ એડવોકેટ નિખિલ જોષીને રૂા.35 લાખ આપ્યાં હતાં. જ્યારે આ મીલકતના માલિક મહેશભાઈ પટેલને પ્રોપર્ટીનો સોદો કરવા માટે રૂા.1.50 કરોડ આપવાના નક્કી થયા હતાં. જેમાં ટોકન પેટે રૂા.2 લાખ આપ્યાં હતાં. સપ્ટેમ્બર 2016માં આ પ્રોપર્ટીના માલિકે ભાગીદારો ધર્મેશ પટેલ, વિજય કાયસ્થ અને શૈલેન પટેલના નામથી બાનાખત કરાવી આપ્યું હતું. જ્યારે વેચાણ દસ્તાવેજ એક વર્ષમાં કરવાનો ઉલ્લેખ રાયો હતો. ભાગીદારોએ રૂા.1 કરોડ ચુકવી દિધા હતાં.

ભાગીદારોને પાવર ઓફ એટર્ની પણ આપી હતી. કોરોના મહામારીમાં વેચાણ દસ્તાવેજ થયો ન હતો. દરમિયાન ફરીયાદીએ એડવોકેટ નિખીલ જોષી મારફતે ઉપરોક્ત પ્રોપર્ટી વેચવા જણાવ્યું હતું. એડવોકેટે આણંદના નિખીલ મહેશભાઈ શાહને પ્રોપર્ટી બતાવતા તેઓ ખરીદવા તૈયાર થયા હતાં. અને પ્રોપર્ટીની કિંમત રૂા.3.51 કરોડ નક્કી થઈ હતી. આ સોદામાં નિખીલ શાહે ટુકડે ટુકડે 1.69 કરોડની ચુકવણી કરી હતી. જ્યારે બાકીની રકમ રૂા.1.81 કરોડ મળી ગયા બાદ વેચાણ દસ્તાવેજ કરી આપવાનું નક્કી થયું હતું. જોકે ભાગીદારોને ઉપરોક્ત પ્રોપર્ટીનો દસ્તાવેજ નિખીલ શાહના નામે થઈ ગયો હોવાનું જાણ થઈ હતી.

જેથી ભાગીદારો રજીસ્ટ્રાર ઓફિસમાં તપાસ કરતા દસ્તાવેજમાં ભાગીદારોની નકલી સહીઓ જોવા મળી હતી. આ ઉપરાંત બોગસ સોગંદનામા પણ જોડાયેલા હતાં. આ દસ્તાવેજમાં બે સાક્ષીઓને પણ જોડવામાં આવ્યાં હતાં. જ્યારે દસ્તાવેજમાં શૈલેન પટેલની જ સહિ છે. નિખીલ શાહે પ્રોપર્ટીના મુળ માલીક રમેશ પટેને રૂા. 26 લાખની અવેજ પેટે ચુકવણી કરી હોવાનું પણ બાહર આવ્યું હતું. જેથી બંને ભાગીદારોએ આ અંગે સીવીલ કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો છે. આ છેતરપીંડી અંગે શૈલેન બીપીન પટેલ (રહે-પુનિત સોસાયટી, આણંદ) અને નિખીલ મહેશભાઈ શાહ (રહે-જલાદીપ, સંતરામ પાર્ક સોસાયટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ) વિરૂધ્ધ રાવપુરા પોલીસ મથકમાં છેતરપીંડીનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...