વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાંથી નવજાત બાળકીને મુકી તેના માતા-પિતા ઘરે જતાં રહ્યાં હતા. આ અંગે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતે આખરે માતા-પિતા હોસ્પિટલ ખાતે પરત ફર્યા છે. જો કે બાળકીને હાલ નારી સંરક્ષણ ગૃહને સોંપાઇ હોવાથી કાયદેસરની કાર્યવાહી બાદ તેના માતા-પિતાને સોંપવામાં આવશે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં આસપાસના જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સારવાર માટે આવતા હોય છે, ત્યારે આ હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં 17 દિવસની બાળકીને મુકીને તેના માતા-પિતા જતાં રહ્યા હતા. જેથી હોસ્પિટલ તંત્ર દ્વારા રાવપુરા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. તેમજ બાળકીનો હવાલો નારી સંરક્ષણ ગૃહને સોંપવામાં આવ્યો હતો. નવજાત બાળકીને માતા ફરાર થઈ જતાં તેને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી.
હોસ્પિટલમાં બાળકીની સારવાર માટે નોંધવામાં આવેલા સરનામાના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બાળકીના માતા-પિતા સાવલીના રસુલાબાદ ગામના રહેવાસી છે. સમગ્ર મામલે પોલીસે પણ બાળકીના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવતા બાળકીની માતા આરતી જાદવ અને પિતા ભગવાનસિંહ જાદવ આજે હોસ્પિટલ ખાતે બાળકી પાસે પરત ફર્યા હતા. બાળકીના પિતા ભગવાનસિંહના જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં બાળકીની સારવાર એક મહિના સુધી ચાલવાની છે. બીજી તરફ અમે એક નાની દીકરીને પડોશી પાસે મુકીને આવ્યા હતા. જે એકલી ઘરે રહેતી નહોતી એટલે અમે રસુલાબાદ પરત ગયા હતા. અમે ઘરે જતાં પોલીસે અમારો સંપર્ક કર્યો હતો અને અમે પરત આવી ગયા છીએ.
બીજી તરફ સયાજી હોસ્પિટલ દ્વારા માતા-પિતા જતાં રહેતા બાળકીની સંભાળનો હવાલો નારી સંરક્ષણ ગૃહને સોંપી દેવામાં આવ્યો છે. જેથી હવે બાળકીના માતા-પિતાની કાયદેસર રીતે ખરાઇની પ્રક્રિયા કર્યા બાદ તેમને બાળકીનો હવાલો સોંપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દૂરના જિલ્લાઓમાંથી તેમજ પડોશી રાજ્યોમાંથી પણ ગરીબ અને મજૂર વર્ગના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. ત્યારે ઘણી વાર મજૂરી કામ કરવા અને ઘરનું ગુજરાન ચલાવવા માતા-પિતા તેમના બાળકોને સારવાર માટે અહીં લાવી લાંબી સારવાર ચાલતા તેમને અહીં જ મુકી ને જતાં રહેતા હોવાના અનેકવાર કિસ્સાઓ બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.