નિર્ણય:PMની તળાવો બનાવવાની હાકલ વચ્ચે પીએન્ડટીનું તળાવ પૂરી દેવાશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરણી રોડ પરના તળાવમાં આડેધડ ઠલવાતો કચરો
  • પાણીના સ્ટોરેજનું તળાવ ગંદું થતાં પોસ્ટ વિભાગનો પૂરી દેવા નિર્ણય

એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જિલ્લામાં 75 તળાવ બનાવવા જોઈએ તેવી હાકલ કરે છે ત્યારે શહેરના હરણી રોડ વિસ્તારના પીએન્ડટી સંકુલમાં આવેલા વર્ષો જૂના તળાવને પૂરી દેવા પોસ્ટ વિભાગે નિર્ણય લીધો છે.હરણી રોડ વિસ્તારમાં પોસ્ટ વિભાગની જમીન છે. જેમાં ક્રિકેટ મેદાન પણ છે. પીએન્ડટી સંકુલમાં પોસ્ટ વિભાગની ઇમારત પાસે એક સ્વિમિંગ પુલની લંબાઈ-પહોળાઈ જેટલું તળાવ છે, જેની આસપાસ ઝાડી-ઝાંખરાં ઊગ્યા છે, જેથી તળાવનું પાણી ગંદું થઇ ગયું છે. તળાવમાં આડેધડ કચરો નખાઈ રહ્યો છે.

વર્ષો પહેલાં ક્રિકેટનું મેદાન બનાવવા વિકેટ અને આઉટફીલ્ડ માટે માટી ખોદાતાં આ તળાવનું નિર્માણ થયું હતું. જેને અરવિંદ નામ અપાયું હતું. જે પાણીના સ્ટોરેજ માટે બનાવાયું હતું, પણ અધિકારીઓ બદલાતા તળાવ પ્રત્યેની લાપરવાહી વધી હતી. પોસ્ટ વિભાગના આસિ.ડાયરેક્ટર એસ.કે.બુનકરે જણાવ્યું કે, અગાઉ અધિકારીઓની બેઠકમાં તળાવ પૂરવાનો નિર્ણય લેવાયો હતો, પણ હવે કુદરતી રીતે પુરાઇ રહ્યું છે, જો તે રીતે નહીં પુરાય તો વિભાગ પુરી દેશે.

પાલિકા સરકારી તંત્ર થકી તપાસ કરાવશે
પીએમ મોદીએ તળાવ વધારવા માટે હાકલ કરી છે ત્યારે પાલિકા પણ આ અંગે તપાસ કરશે. જો અમારા કાર્યક્ષેત્રમાં નહીં આવતું હોય તો અમે સરકારી તંત્ર દ્વારા આ અંગે તપાસ કરાવીશું. > ડો.હિતેન્દ્ર પટેલ, ચેરમેન, સ્થાયી સમિતિ

અગાઉ તળાવમાં મગર પણ આવી જતા હતા
પીએન્ડટીમાં બનેલા આ તળાવમાં અગાઉ મગર પણ આવી જતા હતા એમ જાણવા મળે છે. એક પૂર્વ ક્રિકેટરે જણાવ્યું હતું કે, જ્યારે તળાવમાં પાણી વધારે હતું ત્યારે મગરો આવી જતા હતા, જેના પગલે મગરોનું રેસ્ક્યૂ કરાવવું પડ્યું હતું.

તળાવનું ક્ષેત્રફળ‌ સ્વિમિંગ પુલ જેટલું
પીએન્ડટી સંકુલમાં આવેલા તળાવનું ક્ષેત્રફળ અંદાજે 50 બાય 50 ફૂટ છે, જેને પુન: અગાઉ જેવું બનાવી શકાય તેમ છે. જોકે તેની હાલ કોઈ જરૂર ન લાગતાં પોસ્ટ વિભાગ તેને પૂરી દેવા માટેની તૈયાર દર્શાવી છે અને નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...