ઘટસ્ફોટ:પાલિકાને 40 ટકા કપાતમાં મળેલા 23 પ્લોટની માલિકી ચોપડે નોંધાઇ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 75 કરોડની જમીનનો માલિકી હક્ક હવે 7-12ના ઉતારામાં નોંધાયો
  • મોટા ભાગના પ્લોટ્સ દંતેશ્વર, મકરપુરા અને કરોળિયાના હોવાનો ઘટસ્ફોટ

પાલીકામા બાંધકામ પરવાનગી મેળવતી વખતે ચાલીસ ટકા જમીન કપાત કરવાનો નિયમ છે ત્યારે પાલિકાને મળેલી 75 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા પ્લોટ પર કોઈ ત્રાહિત કબજો ન જમાવે તે માટે માલિકી હક્ક સરકારી નોંધમાં કરવામાં આવી રહી છે અને 37 પૈકી 23 પ્લોટ પર પાલિકાનો કબજો હોવાનો ઉલ્લેખ સાત બારના ઉતારામાં કરી દેવામાં આવ્યો છે.અત્રે નોંધનીય છે કે શહેરના નોન ટીપી વિસ્તારમાં 40% જમીન કપાતના મળવા પાત્ર પ્લોટની માલિકી અંગે ભૂતકાળમાં કોઈ કાર્યવાહી હતી ન હતી ત્યારે જિલ્લા કલેકટર પદેથી મ્યુનિસિપલ કમિશનરનો હોદ્દો અખત્યાર કરનાર શાલિની અગ્રવાલ દ્વારા જમીન દફતરે પાલિકાની માલિકીના પ્લોટ્સ એન્ટ્રી કરાવવાની પ્રથા શરૂ કરી છે..

પાલિકા દ્વારા નોન ટીપી વિસ્તારમાંથી નકશા મંજૂર કરવાના નિયમમાં 40 ટકા જમીન કપાત કરવામાં આવે છે. આ જમીનના પ્લોટ પાલિકા હસ્તક રાખવામાં આવે છે પણ કેટલાક જમીનમાલિકો 40% કપાતમાં ગયેલી જમીન પણ બારોબાર વેચી દેતા હોવાના કિસ્સા ધ્યાન પર આવતા પાલિકાને આર્થિક નુકસાન થતું હતું.

એટલું જ નહીં કેટલાક કિસ્સામાં તો બિલ્ડરો આ કપાત થયેલી જમીનમાં કોમન પ્લોટ બતાવી દેતા હતા અને પૂરેપૂરૂ બાંધકામ મેળવતા હતા.આ સમગ્ર બાબતો હાલના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના ધ્યાન પર આવતા તેમણે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી મંગાવી હતી. જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાનમાં પાલિકાને નોન ટીપી વિસ્તારમાંથી 37 પ્લોટ મળ્યા હોવાનું ખૂલ્યું હતું અને આ પ્લોટ ખાસ કરીને દંતેશ્વર મકરપુરા અને કરોડીયા વિસ્તારમાં મળ્યા છે. આ પ્લોટમાંથી હાલમાં 23 પ્લોટ જમીન દફતર નોંધાયા છે અને 7-12માં પાલિકાનું નામ દાખલ થતાં કોઈપણ વ્યક્તિ હવે આ પ્લોટ વેચી શકશે નહિ તે નિશ્ચિત છે.

અન્ય સમાચારો પણ છે...