વડોદરામાં ‘પેચવર્ક’નું પાઇલોટિંગ:2 મંત્રીઓની નજરથી ખાડા છુપાવવા ચાલુ યાત્રાએ થીંગડાં માર્યાં!

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જન આશીર્વાદ યાત્રા નીકળી અને નિઝામપુરા વિસ્તારમાં પ્રવેશ કર્યો ત્યારે જ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગ પર પડેલા ખાડાના પેચવર્કની કામગીરી કરાતી હોવાના કારણે કાર્યકર દ્વારા મજૂરોને પરાણે કામ બંધ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જન આશીર્વાદ યાત્રા નીકળી અને નિઝામપુરા વિસ્તારમાં પ્રવેશ કર્યો ત્યારે જ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગ પર પડેલા ખાડાના પેચવર્કની કામગીરી કરાતી હોવાના કારણે કાર્યકર દ્વારા મજૂરોને પરાણે કામ બંધ કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
  • મંત્રી માદરે વતનમાં : મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મનીષા વકીલની જન આશીર્વાદ યાત્રા શહેરના 4 વિધાનસભા વિસ્તારમાં ફરી
  • રૂટ પર ખાડા એટલા હતા કે રાતથી પેચવર્ક શરૂ કર્યું તોય યાત્રા નીકળી ત્યારે પણ કામ ચાલુ રાખવું પડ્યું
  • પાલિકાએ રાતોરાત 100 મેટ્રિક ટન વેટ મિક્સ પાથરી રોડ સરખા કર્યા, નિઝામપુરામાં યાત્રા પસાર થતી વેળા પેચવર્ક અટકાવાયું

શહેરમાં 28 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તા તૂટી ગયા છે ત્યારે વડોદરામાંથી મંત્રી બનેલાં બે ધારાસભ્યોની અકોટા સિવાયના 4 વિધાનસભા મતવિસ્તારમાં નીકળેલી જન આશીર્વાદ રેલીને તૂટેલા રોડનું ગ્રહણ ન રહે તે માટે 24 કલાક કરતા ઓછા સમયમાં 100 મે. ટન વેટ મિક્સ પાથરી દેવામાં આવ્યું હતું. એક વિસ્તારમાં જાહેર માર્ગ પર થીંગડાં મરાતાં હતાં ત્યારે જ ત્યાંથી રેલી પસાર થઈ હતી. નજીવા વરસાદમાં રોડ પર પડેલા ખાડા પૂરવા માટે પાલિકા ઉઘાડની રાહ જોઇ રહી હતી ત્યારે જન આર્શીવાદ યાત્રાનું આયોજન થતાં અનેક રોડ પર રાતોરાત ખાડા પૂરાઇ જતાં કંઇક અંશે લોકોએ રાહત અનુભવી હતી. જો કે યાત્રા સિવાયના રોડ પર પુરાણ માટે લોકોએ હજી રાહ જોવી પડશે.

મહેસૂલ-કાયદા વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને રાજયકક્ષાના મંત્રી મનીષા વકીલની 4 વિધાનસભા મતવિસ્તારમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે શહેરમાં 50 હજારથી વધુ નાના-મોટા ખાડા રોડ પર પડી ગયા છે અને 28 કિલોમીટરની લંબાઇ થાય તેટલા રોડ પણ તૂટી ગયા છે ત્યારે વરસાદમાં તેને મરામત કેવી રીતે કરવી તેનો પડકાર પાલિકા માટે ઊભો થયો હતો. આ સંજોગોમાં કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીનો રોડ શો ભાજપ દ્વારા વડોદરામાં યોજાયો હતો, જેમાં રાજેન્દ્ર ત્રિવેદીએ યાત્રાની શરૂઆત છાણીથી તો મનીષાબેન વકીલની યાત્રા હરણી હનુમાનજીના મંદિરથી શરૂ થઇ હતી. જેમાં પાલિકા માટે રાત ઓછી ને વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાયો હતો અને રાતોરાત ખાડા પૂરવા કવાયત કરી હતી.

એક બાજુ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની છાણીથી નીકળેલી યાત્રા નિઝામપુરા તરફ જઈ રહી હતી ત્યારે પાલિકા તરફથી રોડ પર પેચવર્ક કરાતું હતું. જેથી ભાજપના કેટલાક કાર્યકરોએ મજૂરોને સૂચના આપી પેચવર્કની કામગીરી બંધ કરાવી હતી. આખરે યાત્રા પસાર થયા બાદ ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરના છાણી, નિઝામપુરા, સમા, કારેલીબાગ, ચાર દરવાજા વાઘોડિયા રોડ, આજવા રોડ, ન્યૂ વીઆઇપી રોડ, સોમા તળાવ, ડભોઇ રોડ, માંજલપુર, મકરપુરા, માણેજા, સુશેન તરસાલી, ગોરવા, સુભાનપુરા વિસ્તારમાં પેચવર્ક અને રોડા છારું માટે 100 મે.ટન મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન પાલિકાના ઇન્ચાર્જ એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રોજ 350 મે.ટન મટીરીયલ પેચ વર્ક માટે ઉપયોગમાં લેવામાં આવશે અને આ કાર્યવાહી સતત 20 દિવસ સુધી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ વરસાદ ન પડે ને ઉઘાડ થાય તેની રાહ જોવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...