સેનેટની ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત:ભાજપ કાર્યાલય ખાતેથી સેનેટની ચૂંટણીના સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબી બાજુથી ડૉ. વિજય  શાહ (શહેર ભાજપ પ્રમુખ) અને  જીગર ઇનામદાર (સેનેટ, સિન્ડિકેટ સભ્ય) - Divya Bhaskar
ડાબી બાજુથી ડૉ. વિજય શાહ (શહેર ભાજપ પ્રમુખ) અને જીગર ઇનામદાર (સેનેટ, સિન્ડિકેટ સભ્ય)
  • યાદીમાં છે એટલા ભાજપના, જિગર અમારો ઉમેદવાર નથી > ડૉ. વિજય શાહ (શહેર ભાજપ પ્રમુખ)
  • ડો.વિજય શાહ એ મારા પણ અધ્યક્ષ,તેમનું સન્માન કરું છું > જીગર ઇનામદાર (સેનેટ, સિન્ડિકેટ સભ્ય)
  • ડોનર્સ કેટેગરી પરથી પણ ઉમેદવાર લડાવવા તૈયારી : સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ કામ કરનાર સામે શિસ્તભંગના પગલાંની ચીમકી

સેનેટની ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ કાર્યાલય ખાતેથી સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. શહેર ભાજપે કહ્યું જિગર ઇનામદાર એ અમારા ઉમેદવાર નથી અમે જે ઉમેદવાર જાહેર કર્યા છે તે સત્તાવાર અમારા ઉમેદવારો હોવાનું જાહેર મંચ પરથી જણાવ્યું હતું. તેની સાથે જ કટ ટુ સાઇઝ કરી દેવામાં આવ્યા હતા.

જિગર ઇનામદાર 2007 થી સેનેટ સભ્ય છે જેમની ત્રીજી ટર્મ છે જયારે 2009 થી સિન્ડિકેટ સભ્ય છે જેમાં 5 મી ટર્મ છે. જે પણ ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપ સાથે જોડાયેલા હોય તો તેમણે સત્તાવાર ઉમેદવારને જીતાડવા કામે લાગી જવું જોઇએ તેવી તાકીદ પણ કરી હતી. આ મામલે પ્રતિક્રિયા આપતા જિગર ઇનામદારે જણાવ્યું હતું કે ડો. વિજય શાહ મારા પણ અધ્યક્ષ છે, તેમનું હું સન્માન કરું છું.

એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીઓ માટે શહેર ભાજપ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરતાની સાથે જ ચૂંટણીને રાજકીય રંગ મળી ગયો છે. પ્રથમ વખત ગુરૂવારે ભાજપ કાર્યલય ખાતેથી શહેર પ્રમુખ ડો.વિજય શાહે ઉમેદવારીની જાહેરાત કરી હતી. શહેર ભાજપ કાર્યલય ખાતે ચૂંટણી લડતા રજિસ્ટર્ડ ગ્રેજયુએટ કેટેગરીના ઉમેદવારો સહિત ટીચર્સ અને પ્રોફેસર કેટેગરીના પણ તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા. ડો.વિજય શાહે જણાવ્યું હતું કે, ભાજપે જે ઉમેદવાર સત્તાવાર રીતે જાહેર કર્યા છે તે ઉમેદવારો જ ભાજપના છે,અન્ય કોઇની વાતમાં આવવી જવાની જરૂર નથી.

ભાજપ સામે ચૂંટણી લડી રહેલા ટીમ એસએસયુ વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે જે ભાજપ સાથે જોડાયેલા છે તે તમામે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોને જીતાડવા લાગી જવું જોઇએ. જીગર ઇનામદાર વિશે પૂછ તા તેમણે કહ્યું હતું કે તે અમારા ઉમેદવાર નથી. શિક્ષકોને મેન્ડેટ આપવા વિશે તેમણે જણાવ્યું હતું કે શૈક્ષિક સંઘે ઉમેદવારો જાહેર કર્યા છે જેને ભાજપે ટેકો આપ્યો છે. ડોનર્સ કેટેગરી પરથી પણ ઉમેદવાર લડાવાશે. ભરતી કૌંભાડ વિશે તેમણે જણાવ્યું હતું કે તેમાં જરૂર તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હસમુખ વાઘેલાએ ભરતી કૌંભાડની ભૂત ધુણાવ્યું હતુ અને તેને પણ સત્તાવાર રીતે ભાજપે જાહેર કરતાં સમગ્ર કૌભાંડ બાબતે બહાર લાવવા પાછળ ભાજપના સંકલન સમિતિના સભ્યોનો દોરી સંચાર હોવાનું બહાર આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જિગર ઇનામદાર 2007 થી સેનેટ સભ્ય અને 2009થી સિન્ડિકેટ સભ્ય છે. આ વખતની ચૂંટણીમાં પણ ડોનર્સ કેટેગરીમાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે શહેર ભાજપે આ કેટેગરીમાં પણ પોતાના ટેકાવાળા ઉમેદવાર ઉભા રાખવાની તૈયારી બતાવી છે. જેને લઇને યુનિ. વર્તુળમાં અનેક નવા સમીકરણો રચાઇ શકે છે.

14 વર્ષમાં પહેલીવાર જિગર કટ ટુ સાઇઝ
શહેર ભાજપ પ્રમુખના મત મુજબ મ.સ. યુનિ.ની ગરિમા પુનઃ પ્રસ્થાપિત કરવી છે અને બદલાવ લાવવો છે. ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા યુનિ.ના તમામ જૂથને ફરી સાથે રાખવા એક પડકારરૂપ બની શકે છે.

ભાજપની સામે જે પણ ચૂંટણી લડી રહ્યા છે અને તેમાં પક્ષ સાથે, સંગઠન સાથે જોડાયેલા લોકો પક્ષે જાહેર કરેલા ઉમેદવાર માટે કામ નહીં કરે તો તે પક્ષવિરોધી પ્રવૃત્તિ ગણી શિસ્તભંગના પગલાં ભરાશે.

અત્યાર સુધી જિગર જુથ શૈક્ષિક સંઘ સામે ચૂંટણી જંગ લડતુ હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. કારણ કે ભાજપે શૈક્ષિક સંઘને સત્તાવાર ટેકો જાહેર કર્યો છે. ત્યારે વર્ષોના વર્ચસ્વને તોડવા ઉપલી કક્ષાએથી પણ દોરી સંચાર થઇ રહ્યો હોવાનું મનાય છે.

હું ભારતીય જનતા પાર્ટીનો અદનો કાર્યકર છું અને આજીવન રહીશ. શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ એ મારા પણ અધ્યક્ષ છે અને હું તેમનું પૂરું માન સન્માન કરું છું.

કોમન ઉમેદવાર શું કહે છે?
મને પૂછવામાં આવ્યું ના હતું : કશ્યપ શાહ
ટીમ એસએસયુ અને સંકલન સમિતિ બંને સાથે મારે સારા સંબધો છે જેથી મારું નામ ટીમ એમએસયુમાં જાહેર કર્યું હશે જોકે મને પૂછવામાં આવ્યું ના હતું.

બધા સાથે સંબંધ એટલે નામ થયું: સુશાંત
મારા સંબધો જીગર ઇનામદાર સાથે અને ડો.વિજય શાહ સાથે વર્ષોથી છે જેથી બંને યાદીમાં નામ જાહેર થયું છે. હવે સત્તાવાર ભાજપનો ઉમેદવાર છું.

બંનેએ સ્વીકાર કર્યો તેનો આનંદ : દાહીમા
મારા નામની જાહેરાત બંને જૂથોએ કરી છે તે વાતનો મને આનંદ છે. બંને મારા મિત્રો છે. જોકે સત્તાવાર ભાજપે મેન્ડેટ આપ્યો હોવાથી હું ભાજપની યાદીમાં ગણાઇશ.

તમામ ભાજપના, પક્ષ જ સર્વોપરી : હેમલ
તમામ લોકો ભાજપના,પક્ષ જ સર્વોપરી છે. ટીમ MSUના સભ્યો તથા સંકલનના સભ્યો પણ ભાજપના છે જેથી બંનેએ મારું નામ જાહેર કર્યું.

9 મહિનામાં જ સમાધાનની કસૂવાવડ
મ.સ.યુનિ.માં સર્વોપરી સત્તા ધરાવતી સેનેટની ચૂંટણી માટે પ્રથમ વખત ભાજપે સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે હવે ટીમ એમએસયુના નામે ચૂંટણી લડનાર ઉમેદવારોને આગામી સમયમાં પક્ષના હોદા કે ટિકિટ મેળવવા માટે મુશ્કેલી ઉભી થશે. જે હોદા પર છે તેમની સામે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિની કાર્યવાહી થઇ શકે. જો જિગરની પેનલના વધુ ઉમેદવારો જીતે છે તો યુનિ.માં હજુ પણ તે જ સર્વે સર્વા છે તેવું સાબિત થશે અને ભાજપ તેમજ ડો.વિજય શાહનું પાણી મપાઇ જશે. જો ભાજપ જીતે છે તો જિગર યુગનો અંત આવશે કે પછી સમાધાનની ફોર્મ્યુલા ઉપરથી આવે છે તે તો સમય જ કહેશે.

રજિસ્ટર્ડ ગ્રેજયુએટ કેટેગરીમાં ચાર ટર્મથી જીતતા ડો. દિનેશ યાદવે જિગર જૂથમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે પરંતુ ભાજપની સંકલનની યાદીમાં તેને કોમન ઉમેદવાર ગણાવ્યા નથી, તેમની સામે સક્ષમ ઉમેદવાર નથી તેવું ગાણું પણ શહેર ભાજપ પ્રમુખે ગાયું છે. આ સંજોગોમાં દિનેશ યાદવ માટે બંને જૂથમાં યાદવાસ્થળી થાય તેવા અણસાર વર્તાઇ રહ્યા છે. ફેબ્રુઆરીમાં સિન્ડિકેટની ચૂંટણી સમરસ કરીને સંગઠન અને સત્તાધારી જૂથ એક થયા હતા. પરંતું માત્ર નવ મહિનામાં જ સમીકરણો બદલાઇ ગયા છે ત્યારે જિગર જૂથના કેટલાક ભાજપ સર્મથકોની હાલત માં મને કોઠીમાંથી કાઢ તેવી થઇ છે ચૂંટણીમાં પહેલીવાર શૈક્ષિક સંઘને સત્તાવાર ટેકો જાહેર કર્યો છે ત્યારે વીસી અને પ્રો.વીસીના હોદા પર પણ જિગર વિરોધી નિમણૂક આવે તો નવાઇ નહીં.

અન્ય સમાચારો પણ છે...