રાજ્યભરની પાલિકામાં વડોદરા પ્રથમ:બીજા દિવસે 21,212 કિશોરોને રસી,7 સ્કૂલમાં 100% રસીકરણ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસના સરકારના લક્ષ્યાંક સામે 75 ટકા રસીકરણ
  • રસીકરણનો સમય દોઢ કલાક વધારવો પડ્યો, આજે કુલ રસીકરણનો આંક 50 હજારને વટાવશે

15 થી 18 વર્ષના બાળકોના રસીકરણમાં 2 દિવસના રાજ્ય સરકાર દ્વારા આપેલા ટાર્ગેટ પૈકી 75% રસીકરણ પૂર્ણ કરી વડોદરા શહેર રાજ્યની તમામ પાલિકામાં પ્રથમ નંબરે રહ્યું છે, જ્યારે અન્ય પાલિકામાં હજી 50 ટકા જેટલું રસીકરણ થયું હોવાનું કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે. આ સાથે શહેરની 7 શાળાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. સોમવારે 20,638ને રસી આપ્યા બાદ મંગળવારે વધુ 21 હજારને રસી મૂકાઇ હતી. વડોદરામાં એક દિવસમાં 19,300ને રસીકરણ કરવાનો લક્ષ્યાંક અપાયો છે.

મંગળવારે 78 સેન્ટરોમાં રસીકરણમાં નિર્ધારિત સમય 3.30 વાગ્યા બાદ વધુ દોઢ કલાક લંબાવી સાંજે 5 વાગ્યા સુધી રસીકરણ ચાલુ રાખવું પડ્યું હતું. જેમાં અંદાજે 21,212 જેટલા બાળકોને રસી મૂકવામાં આવી હતી. રસી મુકાવવા આવેલા એકાદ બે બાળકોને સામાન્ય ચક્કર આવવા સિવાય કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મંગળવારે પણ અંદાજે શહેરની 78 શાળાઓમાં રસીકરણ ચાલુ રહ્યું હતું.

બ્રાઇટ સ્કૂલમાં આરોગ્ય વિભાગની ટીમ સમય કરતાં અડધો કલાક મોડી પહોંચી હતી અને ત્યાર બાદ સર્વરમાં ખામી સર્જાતા રસીકરણ મોડું શરૂ થયું હતું.જેમાં 682 જેટલા વિદ્યાર્થીઓનું રસીકરણ થયું હતું. સ્કૂલ દ્વારા 12 જેટલા સ્લોટ પાડીને વિદ્યાર્થીઓને બોલાવામાં આવ્યા હતા.પીટીસી કોલેજમાં 46 પૈકી 41 વિદ્યાર્થીઓનું રસીકરણ થયું હતું.

ઝેનિથમાં ચાલુ પરીક્ષા વચ્ચે રસીકરણ
પ્રતાપ નગરની ઝેનિથ સ્કૂલમાં ધો. 9 થી 12માં પરીક્ષા ચાલી રહી હોવા છતાં રસીકરણ ચાલુ રખાયું હતું. જે અંગે આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ પરીક્ષા ક્યારે લેવી સ્કૂલનો નિર્ણય છે જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા જણાવ્યા મુજબ બુધવારે બાળકોની હાજરી ઓછી હશે તો ફરી પરીક્ષા લેવાશે.

પોર્ટલની પળોજણ : 17થી 18 વય જૂથના આંકડા 18 થી 44 વર્ષમાં થતા આરોગ્ય વિભાગ ગોટાળે ચડ્યું
રાજ્ય સરકાર દ્વારા કોવિન પોર્ટલમાં સોમવારે રસીકરણના આંકડા 15થી 18 વર્ષના દર્શાવાયા હતા. જ્યારે મંગળવારે 15થી 1 વર્ષના આંકડા દર્શાવાતા 17થી 18 વર્ષના આંકડાનો સમાવેશ 18 થી 44 વર્ષના વયજૂથમાં થતા આરોગ્ય વિભાગ ગોટાળે ચડ્યું હતું. મુખ્ય આરોગ્ય અમલદાર દેવેશ પટેલે જણાવ્યા મુજબ અમને બે દિવસમાં 38 હજાર જેટલું ટાર્ગેટ આપવામાં આવ્યું હતું અંદાજે 17 થી 18 વર્ષમાં 6500 જેટલા બાળકોનું રસીકરણ થયું હશે.

જિલ્લામાં 68,502 પૈકી 37,213 કિશોરોને રસી
15થી 18 વર્ષના વય જુથમાં રસીકરણના પ્રારંભના પ્રથમ બે દિવસમાં 54% રસીકરણ પૂરું થઈ ગયું છે અને તેમાં પણ વડોદરા તાલુકાના અલ્હાદપુરા ગામે 48 બાળકોની સાથે 100 ટકા વેકસીનેશન પૂર્ણ થતા આવી સિદ્ધિ હાંસલ કરનારું જિલ્લાનું પ્રથમ ગામ બન્યું છે.

વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં તરુણો ને કોરોના સામે રસીનુ સુરક્ષા ચક્ર પ્રદાન કરવાની કામગીરી જોશભેર ચાલી રહી છે.વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં રસી લેવાને પાત્ર 15 થી 18 વર્ષની ઉંમરના તરુણો ની સંખ્યા 68502 અંદાજવામાં આવી છે તેની સામે પહેલા બે દિવસમાં 37213 તરુણોને રસી રક્ષિત કરવામાં આવ્યાં છે તેવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે બે દિવસમાં લક્ષ્યાંક ની સામે 54.3 ટકા રસીકરણ પૂરું થયું છે.

​​​​​​​જિલ્લાના તાલુકાઓ પૈકી શિનોરમાં 70.2, ડભોઇમાં 65.9 અને પાદરામાં 62.9 ટકા તરુણોનું રસીકરણ પૂરું થયું છે.જયારે,સાવલી અને વાઘોડિયા તાલુકાઓમાં 50ટકાથી વધુ તરુણ રસીકરણ પૂરું થયું છે. તાલુકાવાર જોઈએ તો ડભોઇ તાલુકામાં 2473,ડેસરમાં 784,કરજણમાં 2072, પાદરામાં 4187, સાવલીમાં 2056, શિનોરમાં 1028, વડોદરા તાલુકામાં 4937 અને વાઘોડિયા તાલુકામાં 1818 તરુણોને પહેલો ડોઝ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...