ઝૂમ કાર માં દારૂની ખેપ:બૂટલેગરોનો નવો કીમિયો, ઝૂમ કાર દ્વારા ભાડે લીધેલી કારમાં દારૂની ખેપ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં કાર જપ્ત કરાઈ હતી
  • માંજલપુરના કેફે માલિકની કાર ભાડે લઈ ગઠિયો ફરાર થયો હતો

માંજલપુરમાં ખાણી-પીણીની દુકાન ધરાવતા વેપારી પોતાની કારને ઝૂમ કાર દ્વારા ભાડે આપતા હતા. ગત ઓગસ્ટ મહિનામાં ગઠિયો ઝૂમ કાર દ્વારા બુકિંગ કરાવીને કાર લઈને જતો રહ્યો હતો. કારના માલિકે તપાસ કરતા તેમને જાણ થઈ હતી કે, તેમની કાર વરણામા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં જપ્ત કરી છે. જેથી કાર છોડાવવા માટે તેઓએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અટલાદરાની વાત્સલ્ય કુંજ સોસાયટીમાં રહેતા તપન પટેલ કેફે ચલાવે છે. કોરોનાકાળમાં ધંધો થોડો ઠંડો ચાલતો હોવાને કારણે તેઓએ પોતાની કાર ઝૂમ કાર પર રજિસ્ટર કરી હતી અને તેમની દુકાનની બાજુમાં આવેલા ટ્રાવેલર્સ સાથે 70-30 ટકાની ભાગીદારી સાથે તેઓ કાર ભાડે આપતા હતા. ગત ઓગસ્ટ મહિનામાં તેઓ પાસે જીગ્નેશ પરમાર નામનો વ્યક્તિ 5 દિવસ માટે કાર લેવા આવ્યો હતો. બધા દસ્તાવેજોની ખાતરી કરીને તેઓએ જીગ્નેશને કાર આપી હતી. જોકે નિયત દિવસે કાર પાછી ન આવતાં તપનભાઈએ ઝૂમ કારના મેનેજરને આ વિશે જણાવ્યું હતું.

જેથી મેનેજરે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, કાર લઈ જનારે લોકેશનનો વાયર કાપી નાખ્યો છે અને કાર લઈને જતો રહ્યો છે. તપનભાઈએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓની કાર વરણામા પોલીસે પ્રોહિબિશનના ગુના હેઠળ જપ્ત કરી છે. કાર છોડાવવા માટે કોર્ટે તેઓને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા કહેતાં તેઓએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભાડા પર લીધેલી કારમાં દારૂની ખેપ મારવાનો પહેલો કિસ્સો સામે આવ્યો
બૂટલેગરો દારૂની હેરફેર કરવા બાબતે અવનવા કીમિયા અજમાવતા રહેતા હોય છે. ઝૂમ કાર દ્વારા કાર ભાડે લઈને તેમાં દારૂની ખેપ મારવાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. ભાડે લીધેલી કાર જો પોલીસ ઝડપે તો બૂટલેગરોને મોટું નુકસાન થવાની ભીતિ પણ નથી રહેતી.

ઘટનાના 3 મહિના બાદ ફરિયાદ નોંધાઈ
તપનભાઈની કાર ઓગસ્ટ મહિનામાં જીગ્નેશે પચાવી પાડી હતી ત્યારે તેઓ પોલીસ મથકે આ અંગે ફરિયાદ કરવા ગયા હતા. જોકે પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને કારણે ફરિયાદ નોંધાઈ નહોતી. જેથી તપનભાઈએ જાતે તપાસ શરૂ કરી હતી. 3 મહિના બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...