જાહેરાત:નવી 3 ટીપીમાં 50 ચોમી સુધીની જમીનનું 100% વળતર ચૂકવાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વુડા સમાવિષ્ટ વિસ્તારોની ટીપીના કપાતમાં ફેરફાર
  • નાના પ્લોટમાં નિયમ મુજબ બાંધકામ શક્ય ન હોવાથી નિર્ણય

વુડાએ તાજેતરમાં 3 મુસદ્દારૂપ ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કર્યો છે. જેમાં 50 ચોમી સુધીની જમીન હોય તો 100 ટકા જમીનનું વળતર ચૂકવવાની દરખાસ્તને બોર્ડ મિટિંગમાં મંજૂર કરવામાં આવી છે. આ દરખાસ્તથી વહીવટી કામમાં સરળતા રહેશે.

વડોદરામાં મુસદ્દારૂપ નગર રચના યોજનાઓમાં વુડા દ્વારા ઓછું ક્ષેત્રફળ ધરાવતી જમીનોમાં કપાતનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. વુડાએ હાલમાં જ મુસદ્દારૂપ નગર રચના યોજના નં.29 બી આમલીયારા, યોજના નં.26 ડી રતનપુર અને યોજના નં.1 આમોદરનો ઇરાદો જાહેર કરવામાં કર્યો હતો, જેની કામગીરી પ્રગતિમાં છે.

નગર રચના યોજનામાં સામાન્ય રીતે 40% કપાત ધોરણ રાખવામાં આવે છે, પરંતુ કપાતનું ધોરણ જો નાના ક્ષેત્રફળવાળા પ્લોટમાં એટલે કે 50 ચોરસ મીટર સુધીના પ્લોટમાં પણ લાગુ કરવામાં આવે તો અંતિમ ખંડવાળી જમીનમાં સીજીડીસીઆર મુજબ બાંધકામ થઈ શકે નહીં. જે બાબતોને ધ્યાને લેતાં મુસદ્દારૂપ નગર રચના યોજનામાં ફાળવવામાં આવતા અંતિમ ખંડમાં સીજીડીસીઆરની જોગવાઇ અનુસાર કપાતની ટકાવારી નક્કી કરવામાં આવી છે.

ક્ષેત્રફળના આધારે કપાતનું ધોરણ

મૂળખંડનું ક્ષેત્રફળકપાતનું ધોરણ
50 ચો.મી.

100% (વળતર ચૂકવવા પાત્ર)

51થી 100 ચો.મી.0%
101થી 300 ચો.મી.20%
301 ચો.મી.થી વધુ40%

જેમાં ક્ષેત્રફળના આધારે કપાત આપવાનું ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં મૂળખંડનું ક્ષેત્રફળ 50 ચોરસ મીટર સુધી હોય તો તેને 100 ટકા વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બોર્ડની બેઠકમાં આ કામને મંજૂરી આપવામાં આવી છે. નાના પ્લોટમાં નિયમ મુજબ બાંધકામ થઇ શકે તેમ ન હોવાથી પુરુ વળતર ચૂકવવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...