ધરપકડ:અનગઢમાં યુવકની હત્યા કરનાર પડોશીને ધુવારણથી પકડી પાડ્યો

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતરાઈ સાથેની બોલાચાલીની રિસ રાખી પડોશીએ હુમલો કર્યો હતો

અનગઢ ગામના હઠીપુરા ખાતે પિતરાઈ ભાઈને ખેતરમાંથી નહિ જવાનું કહેનાર યુવકને પાડોશી યુવકે લાકડાના પાયા વડે માથામાં ફટકો મારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા બાદ હત્યારા યુવકને ખંભાતના ધુવારણ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો.

અનગઢ ગામે વિક્રમસિંહ ઉર્ફે ગોપી સિંધા છૂટક ડ્રાઇવિંગ કરી જીવન ગુજરાતો હતો. રવિવારે બપોરે ગામના શિવરાજસિંહના ભાગમાં રહેતા શનાભાઈ બાબરભાઈ ગોહિલે ગોપીના માતા સંબાબેનને જણાવ્યું હતું કે, મારો ભત્રીજો ગોપાલ ત્રિકમપુરા ખેતરમાં ક્રિકેટ રમતો હતો ત્યારે તમારો દીકરો ગોપીએ ત્યાં જઈને ગોપાલને ગાળો આપી રૂપાબાના ખેતરમાંથી નહિ જવાનું તેમ કહ્યું હતું, જેથી તેને સમજાવી દેજો. આ સાંભળી સંબાબેને ઘરે આવી પુત્ર ગોપીને આ સંદર્ભે કહેતાં તેણે ગાળાગાળી નહિ કરી હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ સાંજે શનાભાઈ બાબરભાઈ ગોહિલનો પુત્ર વિપુલ ગોપીના ઘેર દોડી આવ્યો હતો.ગોપાલને કેમ ગાળો દીધી તેમ કહી તેણે ગોપી સાથે મારામારી કરી હતી. ઉશ્કેરાયેલા વિપુલે ગોપીના મકાનમાંથી ગોદડા મૂકવાના ડામચિયાના લાકડાના પાયો લઈ તેના માથામાં માર્યો હતો. લાકડાનો પાયો વાગતાં જ ગોપી ત્યાં ઢળી પડ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. હત્યારો ખંભાતના ધુવારણ ખાતે સંતાયો હોવાની બાતમીથી પોલીસે ધુવારણમાંથી વિપુલ ગોહિલને ઝડપી લીધો હતો. તેનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કર્યા બાદ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...