બેઠક:વિશ્વામિત્રીમાં આવતા પૂરને ધ્યાને રાખી શહેરમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય રહેશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂતકાળના પૂરગ્રસ્ત ગામોની સ્થળસ્થિતિનો તાગ લેવા અધિકારીઓને સૂચના
  • કલેક્ટરે આપદા વ્યવસ્થાપન અને પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજી

આગામી ચોમાસની ઋતુમાં સંભવિત અતિવૃષ્ટિને ધ્યાને રાખીને વડોદરા કલેક્ટર અતુલ ગોરે બુધવારે આપદા વ્યવસ્થાપન અને પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી. એનડીઆરએફને વડોદરા સીટીમાં સ્ટેન્ડ બાય રાખવા સુચના આપી છે. બેઠકમાં કલેક્ટરે પ્રાંત અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને મામલદારોને ભૂતકાળમાં પૂરમાં અસરગ્રસ્ત થયેલા ગામોની આગામી પખવાડિયામાં મુલાકાત લઇ તાગ મેળવવા સૂચના આપી હતી. 1 જૂનથી કન્ટ્રોલ રૂમ શરૂ થશે.

સૂચના અપાઇ કે ભૂતકાળમાં વિશ્વામિત્રીમાં આવેલા પૂરને ધ્યાને રાખીને તૈયારીઓ કરવી જોઇએ. પૂર વખતે NDRFની ટીમને જરોદથી વડોદરા પહોંચવા ટ્રાફિક અડચણરૂપ થયાની બાબત ધ્યાને રાખીને તેમણે NDRFને આગ્રહ કર્યો હતો કે વરસાદ સમયે એક-બે ટીમને અગાઉથી જ વડોદરામાં રાખવાથી આપત્તિ સમયે મદદ પહોંચાડી શકાય. કલેક્ટરે જણાવ્યું હતું કે, ગત વખતે અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત ગામોની મેં મુલાકાત લીધી છે, 2019 અને અત્યારની સ્થિતિમાં ઘણો બદલાવ હશે.

જેથી પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ અધિકારી 15 દિવસમાં જેતે ગામની મુલાકાત લઇ તાગ મેળવી આપદા આયોજનમાં જરૂરી ફેરફાર કરે તે જરૂરી છે. વડોદરા શહેર અને ગ્રામ્યના તરવૈયાઓને NDRF પાસે તાલીમ અપાવવા કલેકટરે સુચના આપી છે. ગ્રામ્ય વિસ્તારમાં 240 જેટલા આપદા મિત્રો તૈયાર કરાયા છે. ગામના જ લોકોને આપત્તિ સામે સાવચેતી અને બચાવની જાણકારી આપવા ઉપર ભાર મૂક્યો હતો. ઉપરાંત 1 જુલાઇથી 1 ઓક્ટોબરમાં પ્રસુતીની શક્યતા ધરાવતી સગર્ભાઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાખવાની વ્યવસ્થા કરાઇ છે. જિલ્લાના માર્ગોના કોઝ વે ઉપર પાણીની ભયજનક સપાટી દર્શાવતા બોર્ડ મૂકવા ઉપરાંત જૂના બોર્ડને બદલવા માટે કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગને સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...