75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી:આજે સવારે 9 વાગે પોળોથી લઇને સોસાયટીઓ સુધી રાષ્ટ્રગીત ગુંજશે

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર ભાજપ દ્વારા આઝાદી દિવસ પૂર્વેની સંધ્યાએ શહેરના રાજમાર્ગો પર મશાલ સરઘસ કાઢવામાં આવ્યું હતું. - Divya Bhaskar
શહેર ભાજપ દ્વારા આઝાદી દિવસ પૂર્વેની સંધ્યાએ શહેરના રાજમાર્ગો પર મશાલ સરઘસ કાઢવામાં આવ્યું હતું.
  • સ્ટેશન પર ટ્રેન ઊભી હશે તો રાષ્ટ્રગીતના ગાન પછી જ ઊપડશે

સ્વાતંત્ર્ય દિવસની અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે રવિવારે સવારે 9 કલાકે શહેરની પોળોથી સોસાયટીઓ સુધી જન-ગણ-મન ગુંજશે. શહેર ભાજપ દ્વારા દરેક સમાજ, સંસ્થા, ધર્મ સમુદાયને સાથે રાખી રાષ્ટ્રગીતના કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યાં છે. શહેરમાં 1700 સ્થળે શહેરીજનો રસ્તા પર નીકળી ભેગા મળી રાષ્ટ્રગીતનું ગાન કરશે.

ચાર દરવાજા વિસ્તારમાં જ દરેક ધર્મના લોકો ભેગા થઈને સવારે 9 વાગે રાષ્ટ્રધ્વજ સાથે જન-ગણ-મન ગાશે. ચાર દરવાજા વિસ્તારમાં લગાવેલા 16 જેટલા લાઉડ સ્પિકર પર રાષ્ટ્રગીત ગુંજશે. શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ અનુસાર, સ્વાતંત્ર્ય દિવસના અમૃત પર્વની ઉજવણી માટે લોકો જ્યાં હોય ત્યાં ઉભા રહીને સવારે 9 વાગે જન-ગણ-મનનું ગાન કરે તે માટે વિવિધ સંપ્રદાયના ધર્મગુરૂઓ, સાંસદ,ધારાસભ્યો તેમજ અગ્રણીઓ દ્વારા વિડિયો સંદેશો દ્વારા લોકોને અપીલ કરાઈ છે.

આ ઉપરાંત રાવપુરા, મંગળબજાર, એમજી રોડ સહિતના માર્કેટ, નવલખી મેદાન, ચાર દરવાજા વિસ્તારની પોળ તેમજ શહેરની મોટાભાગની સોસાયટીઓ અને મંદિરોમાં જન-ગણ-મન ગુંજશે. સ્વાતંત્ર્ય દિવસના અમૃત પર્વની ઉજવણી માટે લોકો પણ ઉત્સાહીત છે. માંડવી ખાતે રવિવારે સવારે 9 વાગે ભાજપ શહેર પ્રભારી ભાર્ગવ ભટ્ટ, સહ પ્રભારી દર્શનાબેન દેશમુખ, શહેર પ્રમુખ વિજય શાહ, શહેર મહામંત્રી સુનીલ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

15 ઓગસ્ટે સવારે 9 વાગે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર કોઈ પણ ટ્રેન ઊભી હશે તો રાષ્ટ્રગીતનું ગાન થયા પછી જ ટ્રેન ઉપડશે. પશ્ચિમ રેલવે પોલીસ પરેડ મેદાન ખાતે 75 મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે.રવિવારે સવારે 9 વાગ્યે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ધ્વજવંદન કરાવશે.

‘દેશ કા દિન દેશ કે નામ’ થીમ પર શહેરની યુવતીની હાથમાં તિરંગો લઈ 12 કલાકની દોડ
‘દેશ કા દિન દેશ કે નામ’ થીમ પર અને શહિદોના સન્માન માટે શહેરની યુવતી તિરંગો લઈને 14 ઓગસ્ટથી સાંજે 5 વાગ્યા થી 15 ઓગસ્ટ સવારે 5 વાગ્યા સુધી 12 કલાક પ્રતાપનગર હેડક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દોડી હતી. શનિવારે સાંજે 5 વાગે વડોદરા પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે યુવતીને દોડ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. રવિવારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે યુવતીનું સન્માન પણ કરાશે.આજવા ચોકડી ખાતે રહેતી 27 વર્ષિય નિશા દિવાનચંદ્ર ગૌતમ માઉન્ટેન ગર્લ તરીકે ઓળખાય છે. નિશાએ આ અગાઉ પણ વર્ષ 2019માં પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે તેમજ વર્ષ 2020માં મધર ડે નિમિત્તે નૈનીતાલ ખાતે સતત 12 કલાક દોડી હતી. નૈનીતાલમાં 12 કલાકમાં 77 કિમીની દોડ લગાવી હતી. નિશાએ જણાવ્યું હતું કે,સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશ કા દિન દેશ કે નામ થીમ પર શહિદોના સન્માન માટે ત્રિરંગો લઈ 12 કલાક દોડવાનું નક્કી કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...