આગામી 10મી તારીખે મેયરના નામની જાહેરાત થશે. તે પૂર્વે સંભવિત ઉમેદવારોના નામની ચાલી રહેલી અટકળો વચ્ચે ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેર પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યો સહિતના હોદ્દેદારોએ પોતપોતાના માનીતા ઉમેદવારોના બંધ કવરમાં નામ મુક્યા હતા. આ નામો પર ગુરુવારે અમદાવાદ ખાતેના ક્રિકેટ સ્ટેડિયમમાં ચર્ચા થયા બાદ એક નામ પર મહોર વાગશે. બીજી તરફ મેયર પદના મૂરતિયાઅોઅે પોતાના ગોડફાધરો પાસે આંટાફેરા મારવાનું પણ શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે.
મેયર કેયુર રોકડિયા ધારાસભ્ય બન્યા બાદ તેઓએ મેયર ટર્મના 6 મહિના પૂર્વે જ પદ છોડ્યું હતું. જેના કારણે 6 મહિના માટે મેયરની વરણી કરવામાં આવશે. આગામી 10મી માર્ચના રોજ પાલિકામાં મળનારી સામાન્ય સભામાં નવા મેયરના નામની જાહેરાત થશે. તે પૂર્વે શહેર સંગઠન ધારાસભ્યો અને સાંસદ સહિતના હોદ્દેદારોએ પોતપોતાના માનીતાઓને મેયર પદ મળે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. બીજી તરફ મેયર બનવા માટે ઈચ્છુક ઉમેદવારો પણ તેમના ગોડફાધરોનેના શરણે જઈ પ્રદેશ મોવડીને મનાવવાના પ્રયાસોમાં લાગ્યા છે.
ત્યારે મંગળવારે ભાજપ કાર્યાલય ખાતે મળેલી સંકલનની બેઠકમાં હોદ્દેદારોએ તેમના માનીતા ઉમેદવારોના નામ મૂક્યા હતા. આધારભૂત સૂત્રો મુજબ સાંસદ, શહેર પ્રમુખ, ધારાસભ્યો અને મહામંત્રીઓએ બેઠકમાં બંધ કવરમાં બેથી ત્રણ ઉમેદવારોના નામ મૂકી જમા કરાવ્યા છે. આગામી 9મી તારીખે ગુરુવારે શહેરમાંથી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અમદાવાદ ખાતે ક્રિકેટ મેચ જોવા જશે. જેમાં પ્રદેશ મોવડીના હોદ્દેદારો સાથે યોજાનારી બેઠકમાં આ નામો પર ચર્ચા વિચારણા થશે અને અંતે કોઈ એક નામનું મેન્ડેટ વડોદરા શહેરને મળશે.જોકે હાલ પૂરતું મેયર કોણ બનશે તેની ચર્ચાઅો રાજકારણના ગલિયારાઅોમાં જોરશોરથી ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.