મોદીએ અંગત મુલાકાત કરી ને ટિકિટ મળી ગઈ:વડોદરામાં બધાને ચોંકાવી દેનાર નામ એટલે ચૈતન્ય દેસાઈ, PM સાથેના સંબંધ અને મુલાકાત ફળી

વડોદરાએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં વડોદરાની અકોટા વિધાનસભા બેઠક પર ચૈતન્ય દેસાઇના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નામે સૌ કોઈને ચોંકાવી દીધા છે. જોકે, ગત 18 જૂનના રોજ વડાપ્રધાન મોદીએ વડોદરાના લેપ્રસી મેદાન ખાતે જનસભાને સંબોધિત કરી ત્યારે ચૈતન્ય દેસાઇ અને તેમના પરિવાર સાથે એક અંગત મુલાકાત કરી હતી.

સ્ટેજ પાછળ મોદી પરિવારને મળ્યા
મધ્ય ગુજરાતમાં આગામી 5 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, ત્યારે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં વડોદરાની અકોટા બેઠક પરથી ઉમેદવાર તરીકે ચૈતન્ય દેસાઇના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નામે સૌ કોઇને ચોંકાવી દીધા છે. જો કે ચૈતન્ય દેસાઇના પરિવાર સાથે વડાપ્રધાન મોદીનો સીધો સંપર્ક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 18 જૂનના રોજ વડોદરાના લેપ્રસી મેદાન ખાતે આવ્યા હતા અને જનસભાને સંબોધિત કરી હતી. જનસભાને સંબોધિત કરતા પહેલા વડાપ્રધાન મોદીએ સ્ટેજ પાછળ ચૈતન્ય દેસાઇ અને તેમની માતા નીલા દેસાઇ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત 3 મિનિટ સુધી ચાલી હતી. ત્યાર બાદ આજે ચૈતન્ય દેસાઇએ એક સવાલના જવાબમાં આ મુલાકાત ફળીભૂત થઇ હોઇ શકે તેમ જણાવ્યું હતું.

લેપ્રસી ગ્રાઉન્ડમાં મોદી ચૈતન્ય દેસાઇ અને તેમના પરિવાર મળ્યા હતા.
લેપ્રસી ગ્રાઉન્ડમાં મોદી ચૈતન્ય દેસાઇ અને તેમના પરિવાર મળ્યા હતા.

સભામાં મોદીએ ભાજપ અને સંઘના જૂના લોકોને યાદ કર્યાં હતા
લેપ્રસી મેદાન ખાતે 18 જૂનના રોજ યોજાયેલી એ જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં કોઠી કચેરી નજીક આવેલ સંઘના જૂના કાર્યાલય અને સંઘ સાથે જોડાયેલા અનેક લોકો મને અહીં સભામાં જોવા મળ્યા તેમ સંબોધનમાં કહ્યું હતું.

ચૈતન્ય દેસાઇના પિતા મકરંદ દેસાઇ ભાજપના પીઢ નેતા હતા
ચૈતન્ય દેસાઇ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની ટિકિટ પર બે વખત કોર્પોરેટર રહી ચુક્યા છે. એટલું જ નહીં પણ તેમના પિતા મકરંદ દેસાઇ ભાજપના પીઢ નેતા હતા અને વડોદરા શહેર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે. મકરંદ દેસાઇ ગુજરાત સરકારમાં 1975થી 1980ના દાયકમાં કેબિનેટ મંત્રી રહી રહ્યા હતા. તેઓ 1975માં વડોદરા સીટી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

ચૈતન્ય દેસાઇ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની ટિકિટ પર બે વખત કોર્પોરેટર રહી ચુક્યા છે.
ચૈતન્ય દેસાઇ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની ટિકિટ પર બે વખત કોર્પોરેટર રહી ચુક્યા છે.

2014માં ચૈતન્ય દેસાઇના માતા PM મોદીના શપથવિધિમાં હાજર હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડોદરા સાથે જૂનો નાતો રહ્યો છે. તેઓ RSSમાં પ્રચારક હતા ત્યારે ઘણો સમય વડોદરામાં વીતાવ્યો છે. જેથી મકરંદ દેસાઇના નિધન બાદ પણ આ પરિવાર સાથે તેમનો નાતો રહ્યો છે. વડાપ્રધાન મોદીએ જ્યારે વર્ષ 2014માં દેશના વડાપ્રધાન પદે શપથ લીધા ત્યારે ચૈતન્ય દેસાઇના માતા નીલા દેસાઇને આ શપથગ્રહણ સમારંભમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સેન્સ પ્રક્રિયામાં પણ ચૈતન્ય દેસાઇ હાજર હતા
ચૈતન્ય દેસાઇએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સેન્સ લેવાની પ્રક્રિયા તાજેતરમાં યોજાઇ હતી. તેમાં પણ તેઓ હાજર રહ્યા હતા અને રાત્રે 9 વાગ્યા આસપાસ તેમનો નંબર પોતાની રજૂઆત માટે માટે આવ્યો હતો.

વડોદરાની અકોટા વિધાનસભા બેઠક પર ચૈતન્ય દેસાઇના નામની જાહેરાત.
વડોદરાની અકોટા વિધાનસભા બેઠક પર ચૈતન્ય દેસાઇના નામની જાહેરાત.

અકોટામાં સીમાબેનની ટીકિટ કપાઇ
ગત વિધાનસભા ચૂંટણીમાં અકોટા બેઠક પર ભાજપની ટિકિટ પર સીમાબેન મોહિલે વિજેતા બન્યા હતા. આ વખતે તેઓની ટિકિટ કાપી ભાજપ સાથે વર્ષથી નાતો ધરાવતા સ્વ. મકરંદ દેસાઇના પુત્ર ચૈતન્ય દેસાઇને ટિકિટ આપવામાં આવી છે.

સૌરભ પટેલ અકોટાથી જીત્યા હતા
ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌરભ પટેલ જીત્યા હતા અને તેમને ઉર્જા મંત્રી બનાવવામાં આવ્યા હતા. અકોટા બેઠક પર બહારથી આવેલા સૌરભ પટેલને પણ જીત હાંસલ થઇ હતી. એટલે કે આ બેઠક ભાજપનો ગઢ રહી છે અને ભાજપના કમિટેડ મતદારો પાર્ટીના સિમ્બોલ પર પસંદ થયેલા ઉમેદવારને મતદાન કરે છે.