પાલિકાનું આયોજન:પાલિકા મહીસાગરના પાણી માટે 6.64 કરોડ ચૂકવશે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંધરોટ પ્રોજેક્ટમાંથી જૂનથી રોજનું રૂ.3.21 લાખનું પાણી લેવાય છે
  • આગામી સમયમાં પાલિકા 300 એમએલડી પાણી મેળવશે

શહેરના આગામી 30 વર્ષના વિસ્તાર વિકાસ અને વસ્તીને ધ્યાનમાં રાખી મહિસાગર નદીમાંથી સીધરોટ પાણી પુરવઠા પ્રોજેકટ ખાતેથી 300 એમએલડી પીવાનું પાણી મેળવવાનું પાલિકાનું આયોજન છે. સિંધરોટ ખાતે બનાવવામાં ઇન્ટેક્વેલમાંથી એમએલડી પાણીનો જથ્થો લેવા અંગે પાલિકાએ 18 જૂનથી અત્યાર સુધી 6.64 કરોડ ચૂકવવાના છે.

શહેર નજીક મહીસાગર નદીમાં સિંધરોટ વિયરના ઉપરવાસમાં 300 એમએલડી પીવાના પાણીનો જથ્થો તબક્કાવાર લેવાની સૈધ્ધાંતિક મંજૂરી આપવાની દરખારત અન્વયે નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે સુચવેલી શરતોનું પાલન કરવાની શરતે પ્રથમ તબક્કે 100 એમએલડી પાણીનો જથ્થો લેવા માટે ખાસ કિસ્સા તરીકે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.

સિંધરોટ ખાતે મહિસાગર નદીમાં વિયરના ઉપરવાસમાં 300 એમએલડી ક્ષમતાનો ઈંનટેકવેલ, 150 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 300 એમએલડી ક્ષમતાની ટ્રાન્સમીશન લાઇન તથા 100 એમએલડી ક્ષમતાની પંપીંગ મશીનરી સહની કામગીરી તથા 5 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ સહની કામગીરીનો કોન્ટ્રાકટ અપાયો છે. અગાઉની મળેલી મંજૂરી મુજબ હાલમાં આ યોજનામાંથી જરૂરીયાત મુજબ પાણી મેળવવામાં આવે છે. નિયમોનુસાર શરતો મુજબ પાલિકાએ 18 જુનથી આજદિન સુધીના 6.64 કરોડ( એક દિવસના 3.21 લાખ)ભરપાઇ કરવાના છે.

સરકાર અને પાલિકા વચ્ચે કરારની સમય મર્યાદા 5 વર્ષની છે. ભવિષ્યમાં તબક્કાવાર ૩૦૦ એમએલડી સુધી પાણીનો જથ્થો મેળવવા માટે સરકાર દ્વારા સૂચવવામા આવેલ પ્રક્રિયા અંતર્ગત જરૂરી કાર્યવાહી કરવા, પ્રવર્તમાન દરે પાણી લેવાના બીલ પેટે ચૂકવણું કરવા તથા અન્ય જરૂરી વહીવટી નાણાંકીય તથા આનુષંગિક તમામ કાર્યવાહી કરવા મ્યુ. કમિ.ને સત્તા આપવા અંગે સ્થાયી સમિતી સમક્ષ કામ મંજૂરી માટે આવ્યું છે.

પાલિકાના માથે પાનમ યોજનાના 3500 કરોડથી વધુ ચૂકવવાના આવશે?
આધારભૂત સૂત્રો મુજબ વડોદરા મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા વર્ષો અગાઉ પાનમ યોજના હેઠળ કરાર થયો હતો અને કોર્પોરેશને પાણી લઈ શહેરીજનોને પૂરું પાડ્યું હતું. જોકે આ કરાર રદ થતા પાનમ યોજનાના અંદાજિત 3500 કરોડથી વધુ પાલિકાએ સરકારને ચૂકવવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થવાની શક્યતાઓ છે. અગાઉ વિપક્ષના કાઉન્સિલરોએ આ અંગે પાલિકાની સામાન્ય સભામાં પણ મુદ્દો મૂકી ચર્ચા કરી હતી. સરકાર 3500 કરોડની માંગ કરે તો પાલિકા તે ક્યાંથી ચૂકવશે તે પણ એક યક્ષ પ્રશ્ન છે.

દક્ષિણ ઝોનની પાણીની અછતનો અંત
એક તરફ પાલિકાને પાણીના બિલ પેટે કરોડો રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે. ત્યારે બીજી તરફ માંજલપુર સહિતના દક્ષિણ ઝોનની પાણીની અછતની સમસ્યા ઉકેલાઇ ગઇ છે. સિંધરોટ પ્રોજેક્ટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું.

અન્ય સમાચારો પણ છે...