શહેરમાં સમાવિષ્ટ વેમાલી ગામમાં પાણીનું નેટવર્ક નથી, ડ્રેનેજ લાઈન જોડાઇ નથી. રોડ અને સ્ટ્રીટ લાઈટનો અભાવ છે. દર મહિને વેમાલીના રહીશો 21 લાખ રૂપિયાનું પીવાનું પાણી મગાવે છે. ત્યારે પાલિકા ભૂલી ગઇ છે કે નાગરિકને તળાવની સુંદરતા કરતાં પહેલાં પ્રાથમિક સુવિધાઓ આપવાની તેની પ્રાથમિક ફરજ છે. પાલિકાએ વેમાલી ગામમાં પાણી વિનાના તળાવનું બ્યુટીફિકેશન રૂ. 2.26 કરોડમાં કરવાનું નક્કી કર્યું છે. જેમાં કોન્ટ્રાક્ટરે પણ અંદાજિત કરતા રૂ. 39.16 લાખ રૂપિયા વધારે માંગ્યા છે.
પાલિકાએ પાણી વિનાના તળાવનું બ્યુટીફિકેશન કરવાનું નક્કી કર્યું
પહેલેથી જ પાલિકાએ તળાવોનું બ્યુટીફિકેશન કરી કરોડોનું આંધણ કર્યુ છે. તળાવના બ્યુટીફિકેશન બાદ પણ તેમાં ડ્રેનેજના પાણી છોડાતાં જળચર પ્રાણીઓના મૃત્યુ થવાના બનાવ બની રહ્યા છે. નાગરિકોને દુર્ગંધથી પરેશાની ભોગવવી પડે છે. ત્યારે પાલિકાએ વધુ એક તળાવનું બ્યુટીફિકેશન કરી તેના બદતર હાલ કરવાનું નક્કી કર્યું હોય તેવું જણાય છે. વેમાલીનો શહેરમાં સમાવેશ થયાના ત્રણ વર્ષે પણ પાણીનું નેટવર્ક નથી. ડ્રેનેજ લાઈના જોડાણો નથી. રસ્તાની સમસ્યા છે અને સ્ટ્રીટ લાઈટ વિના લોકો અંધારામાં જીવે છે.
તળાવના બ્યુટીફીકેશન માટે પાલિકાએ 1.87 કરોડનો અંદાજ લગાવ્યો
ત્યારે પાલિકાને તળાવનું બ્યુટીફિકેશન કરવાનું સુજ્યું છે. તળાવના બ્યુટીફીકેશન માટે પાલિકા 1.87 કરોડનો અંદાજ લગાવ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટર પાસે ભાવ મંગાવતા તેઓએ 22 ટકા વધુ એટલે કે રૂ. 2.28 કરોડનો ભાવ ભર્યો હતો. પાલિકાના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલે કોન્ટ્રાક્ટરને ભાવમાં ઘટાડો કરવાનું કહેતા કોન્ટ્રાક્ટરે ભાવમાં એક ટકાનો ઘટાડો કર્યો હતો.
પાલિકાના જ સલાહકારે આ ભાવ વધારો વાજબી હોવાની સલાહ આપી
એટલે કે આ કામ રૂ. 2.26 કરોડના ખર્ચે કરવાની તૈયારી બતાવી હતી. રૂ. 1.87 કરોડના અંદાજ સામે પાલિકાના જ સલાહકારે આ ભાવ વધારો વાજબી હોવાની સલાહ આપી હતી. કોન્ટ્રાક્ટરે રૂ 36.19 લાખ વધु માંગ્યા છે. જેની મંજૂરી માટે સ્થાયીમાં દરખાસ્ત રજૂ કરાઇ છે.
વેમાલીમાં લોકો રોજ 175 ટેન્કર પાણી મગાવવા મજબૂર
વડોદરા ऑ| વેમાલી વિસ્તાર પાલિકામાં સમાવ્યું ત્યારબાદ અત્યાર સુધી વિસ્તારમાં પાણીનો ભારે ત્રાસ છે. સ્થાનિક લોકો રોજ બોરથી પાણી મેળવે છે. પરંતુ પાણીના સ્તર નીચે જતા રોજના અંદાજીત 175 જેટલા ટેન્કર મંગાવે છે. લોકો પાલિકાને છેલ્લા 2 વર્ષથી પાણી સહિતનો વેરો આપે છે. તેમ છતાં મહિને રૂ. 21 લાખનો ખર્ચ માત્ર પાણી પાછળ કરે છે. તેવામાં નાગરિકોની આ સમસ્યાનો નિકાલ લાવવાની જગ્યાએ પાલિકાને રૂ. 2.26 કરોડ ખર્ચી તળાવનું બ્યુટીફીકેશન કરવાનું મહત્વનું છે.
વેમાલીના લોકો વર્ષે 2.08 કરોડ વેરો ભરે છે
વેમાલી ગામ અને તેની આસપાસના વિસ્તારમાં 4,564 બિલની બજવણી કરાઈ હતી. જેના થકી પાલિકાને રૂ. 2.61 કરોડની આવકનો અંદાજ છે. આ વર્ષે વેમાલીના રહીશોએ ~2.08 કરોડ વેરો ચૂકવી ~2.40 કરોડનું પાણી ટેન્કરથી મેળવ્યું છે.
તળાવ નહિ અમારે તો પાણી જોઈએ
ગામ, સોસાયટીઓ લાખોનું પાણી મેળવે છે. તળાવ બ્યુટીફીકેશનની જરૂર નથી. ડ્રેનેજનું કનેક્શન છે જોડાણ નથી. ચૂંટણી પહેલા સ્ટ્રીટ લાઈટના કામનું ઉદ્ઘાટન કર્યુ એ અધૂરું છે. 7 મહિનાથી કોર્પોરેટર જોવા આવ્યા નથી. રવિવારે બેઠક કરી અમે આંદોલન કરવાના છે. - નિલેશ પટેલ, પૂર્વ સરપંચ
કોન્ટ્રાક્ટરના ફાયદા માટે તળાવનું કામ છે
અમારી જરૂરિયાત પાણીની છે. લોકો નાણા ખર્ચી પાણી મેળવે છે. સ્ટ્રીટ લાઈટનું કામ અધૂરું છે. ડ્રેનેજ લાઈનનો પ્રોબ્લમ છે. તળાવનું કામ જરૂરી નથી. કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા કામ સોપાયું છે તેવું લાગે છે. નાગરિકોને ફાયદો થાય તેવા કામો કરવા જોઈએ. - નિખિલ પટેલ, રહીશ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.