આરોગ્ય વિભાગની કામગીરી:હરણીનું ઓમિક્રોન પોઝિટિવ દંપતી 10 દિવસ અનેક લોકોના સંપર્કમાં આવ્યાની આશંકા, કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે પાલિકાએ ટીમ ઉતારવી પડી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 ડિસેમ્બર : દંપતી ઝામ્બિયાથી વડોદરા આવ્યું , 12 ડિસેમ્બર છકોરોનાનો રિપોર્ટ પોઝિટિવ , 17 ડિસેમ્બર : ઓમિક્રોન પોઝિટિવ
  • વિદેશથી આવતા પ્રવાસીના હોમ આઇસોલેશન-ક્વોરન્ટાઇન પર આરોગ્ય વિભાગ કડકાઇ વધારશે

હરણી રોડમાં નોન હાઇરિસ્ક કન્ટ્રી ઝામ્બિયાથી આવેલા 75 વર્ષના વૃદ્ધ અને તેમની 67 વર્ષની પત્નીનો એક સાથે કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા બાદ પાલિકાના આરોગ્ય વિભાગે તાબડતોબ બ્રિફિંગ માટે મીટિંગ બોલાવી દંપતી કોના સંપર્કમાં આવ્યું હતું તેના ટ્રેસિંગની કામગીરી શરૂ કરી દીધી હતી.

શુક્રવારે સાંજે 6 વાગેે જિનોમ સિકવન્સિંગના રિપોર્ટ્સ આવતાં જ પાલિકાએ કામગીરીનો પ્રારંભ કરી દીધો હતો. આરોગ્ય વિભાગની ટીમે તેના ઘરની આસપાસના લોકોને ટ્રેસિંગ માટે પૂછપરછ કરીને જાણકારી મેળવવાની શરૂ કરી દીધી છે. આ સોની દંપતીને તેમના હરણી રોડ પર આવેલા ઘરેથી પૂર્વ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયું છે.

રાહતની વાત એ છે કે, દંપતી ઘરે એકલું જ રહે છે. તેથી પરિવારજનો ન હોવાથી કોઇના ક્લોઝ કોન્ટેક્ટમાં લાંબો સમય સુધી સંપર્કમાં આવ્યાની શંકાએ ટ્રેસિંગની કામગીરી ઝડપી બનાવાઇ છે. બીજી તરફ વૃદ્ધાને હાલ ગળામાં ખારાશ, તાવ અને શરીરમાં કળતર, જ્યારે વૃદ્ધને ગળા અને સાંધામાં દુખાવા સાથે બેચેની અનુભવાઈ રહી છે.

અત્યાર સુધી શહેરમાં 2300થી વધુ લોકો વિદેશથી આવી ચૂક્યા છે, જેમાં 800થી વધુ લોકો હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવ્યાં છે. જોકે વડોદરામાં ઓમિક્રોનના આ પહેલા દર્દી નોંધાયા છે. ઓમિક્રોન કેસ આવ્યા બાદ હવે હોમ આઇસોલેશન અને ક્વોરન્ટાનમાં જે દર્દી-લોકો હશે તેના પર ચાંપતી નજર રહેશે.

ફીલ્ડ રિપોર્ટ તૈયાર કરી રહ્યાં છીએ : પાલિકા
પાલિકાના અધિકારી ડો. પિયૂષ પટેલે જણાવ્યું કે, ‘હાલમાં અમે કર્મચારીઓ દ્વારા ફિલ્ડ રિપોર્ટ તૈયાર કરી રહ્યાં છીએ. હરણી વિસ્તારનું આ દંપતી કોના ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યું હતું. તે આ રિપોર્ટ આવ્યા બાદ કહી શકાશે. જોકે કેટલા સંપર્કમાં આવ્યાં હતા તેનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.

જો ક્લોઝ કોન્ટેક્ટ પોઝિટિવ આવે તો શું ?
વૃદ્ધ દંપતીના ક્લોઝ કોન્ટેક્ટમાં જે લોકો આવ્યા હશે તેમને તુરંત જ આઇસોલેટ કરી આરટીપીસીઆર કરાવાશે. જો પોઝિટિવ આવે તો તેમના તુરંત જ નમૂનાને જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગરની લેબમાં મોકલાશે.

કોરોનાના નવા 14 કેસ : નવરચના ઈન્ટરનેશનલનો િવદ્યાર્થી પોઝિટિવ
શુક્રવારે કોરોનાના નવા 14 કેસ આવ્યાં હતા. જેમાં ફતેપુરા, ગોત્રી, નવાપુરા, નવાયાર્ડ, એકતાનગર, બાપોદ, દીવાળીપુરા,તાંદળજા અને માંજલપુર તથા ગ્રામ્યના સમિયાલાનો સમાવેશ થાય છે. 10 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં 391 લોકો ક્વોરન્ટાઇન છે.બીજી તરફ સમાની નવરચના સ્કૂલમાં અગાઉ એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ ભાયલીની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે વર્ગો સેનેટાઇઝ કરાયા હતા. હવે સ્કૂલમાં 4 દિવસ ઓફલાઇન શિક્ષણ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...