શહેરમાં 24 કલાક હવાનું પ્રદુષણ માપતા મશીન નથી. ત્યારે શહેરના નાગરિકોના જૂથે આ મશીનની મિનિ આવૃત્તિ કન્ટિન્યૂઅસ એરમોનિટરિંગ મશીન મૂકવાની જાહેરાત કરી છે. ‘સંપર્ક’ જૂથ 10 દિવસમાં મશીનને રેસકોર્સ સર્કલ ખાતે ફીટ કરશે. વિશ્વમાં કોઇ સંસ્થા સંભવત: પહેલીવાર આ પ્રકારનું મશીન મૂકાશે. મશીન 80 મીટરની ત્રિજ્યામાં પ્રદુષકોની હાજરી નોંધી દર 15 મિનિટે જાહેર કરશે. સંપર્કના અગ્રણી રાજીવ પટેલે જણાવ્યું કે, ‘સરકારી રાહે પ્રદૂષણ માપવાની વ્યવસ્થા નથી.
યંત્ર 6 લાખથી વધુના ખર્ચે મુકાશે.’ મશીન ત્રણ મહિનાનો ડેટા સ્ટોર કરશે. યંત્રના નિર્માતા ડો. પ્રિતેશ શાહે જણાવ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ અનુસાર હવામાં સલ્ફર ડાયોક્સાઈડ, કાર્બન મોનોકસાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ સહિત પ્રદુષકોનું સ્તર માત્રાથી વધે તો ઘાતક છે. ધૂળના કણ 10 માઇક્રોન અને 2.5થી નાના હોય તો ફેફસાંમાં અસર કરે છે. દેશના 132 શહેરોને હવાનું પ્રદુષણ 2024 સુધીમાં 20થી 30 ટકા ઓછું કરવાના આદેશો અપાયા છે.
પાલિકાએ એપમાં પ્રદૂષણના ડેટા મૂકવાના પણ બંધ કર્યા
વડોદરામાં હાલમાં બાપોદ, ટ્રાન્સપેક વિસ્તાર, અટલાદરા, છાણી જકાતનાકા, બાપોદ, મંગળબજાર, ગોરવા અને માણેજામાં સ્માર્ટસિટી અંતર્ગત સેન્સર બેઝ હવાની ગુણવત્તા માપતા મશીનો છે. બીજી તરફ નોંધપાત્ર બાબત એ પણ છે કે, માય વડોદરા એપમાં વડોદરાના લોકો જાણી શકે તે માટે પ્રદુષણના લાઇવ ડેટા પાલિકા દ્વારા મૂકવામાં આવતા હતા. જે કેટલાક મહિનાથી મૂકવાના બંધ કરી દીધા છે.
ગત નવેમ્બરમાં પ્રદૂષણની સ્થિતિ | ||
વિસ્તાર | 10 માઇક્રોનના કણોનું પ્રમાણ | કાર્બન મોનોક.નું પ્રમાણ |
મંગળબજાર | 74.00-101.00 | 0.97-1.01 |
ગોરવા | 110.00-125.00 | 0.30-0.60 |
જાંબુઆ | 115-175 | 0.44--0.57 |
ટ્રાન્સપેક | 224.00-296.00 | 0..12- 0.51 |
બાપોદ | 125.00-160.00 | 0.14-0.41 |
અટલાદરા | 111.00-180.00 | 0.27-0.37 |
છાણીટોલનાકા | 130-210 | 0.51- 0.96 |
(આ જુદા જુદા વિસ્તારોમાં પ્રદુષકોનું સરેરાશ આ પ્રમાણ નવેમ્બર-2022 દરમિયાન નોંધાયુ હતું) |
ઓપરેશનલ ખર્ચ સંસ્થા આપશે
સંપર્ક સંસ્થાએ જણાવ્યું કે, મશીનને કાર્યરત રાખવા ઓપરેશનલ ખર્ચ થશે. જેને અમે એકત્ર કરીશું. સંસ્થાનો ઉદ્દેશ્ય છે કે, વડોદરાવાસીઓને સચોટ માહિતી મળે કે તેઓ કેવી હવામાં શ્વાસ લઇ રહ્યાં છે. આ વિશે જાગૃતિ જરૂરી છે.
પાલિકાના 5 વર્ષથી માત્ર સરવે જ
હવાનું પ્રદુષણ માપવાની વાત પાલિકા 5 વર્ષથી કરે છે પણ સ્ટેશન સ્થપાતું નથી. ધ એનર્જિ એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટને રૂ. 78 લાખમાં સરવે સોપ્યો હતો જેની કોઇ માહિતી નથી. કારેલીબાગ પાણીની ટાંકી ખાતે મશીન મુકાનાર હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.